બોટાદનાં બરવાળામાં 6.7 ઈચ તો સુરેન્દ્રનગરનાં સાયલામાં 6.25 ઈંચ વરસાદથી જળબંબાકાર,  23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી

heavyRain

અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ

ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ સૌરાષ્ટ્રમાં વરસેલા અતિ ભારે વરસાદને કારણે અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આજે વહેલી સવારે 6 થી બપોરના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 176 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 6.7 ઈંચ વરસાદ બોટાદ જિલ્લાના બરવાળામાં ખાબક્યો છે. આ સિવાય સુરેન્દ્રનગરના સાયલામાં સવા 6 ઈંચ, મૂળીમાં 5.3 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 4.7 ઈંચ, બોટાદમાં 4.6 ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢ અને ભાવનગરના વલ્લભીપુરમાં 4.1 ઈંચ તેમજ સુરેન્દ્રનગરના ચુડામાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે બોટાદ અને અમરેલી જિલ્લામાંથી કુલ 120 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ તંત્રને પડી છે. જેમાં બોટાદ જિલ્લામાંથી કુલ 40 અને અમરેલી જિલ્લામાંથી કુલ 80 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડાયા છે. જ્યારે બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાંથી 109 લોકોનુ રેસ્ક્યુ કરાયું છે. જેમાં બોટાદ જિલ્લામાંથી 02 વ્યક્તિ, ભાવનગર જિલ્લામાંથી 38 અને અમરેલી જિલ્લામાંથી 69 લોકોનુ રેસ્ક્યુ કરાયું છે.

આજે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગના તાલુકામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. જેમાં સાયલા (158 મિ.મી), મૂળી (135 મિ.મી), થાનગઢમાં (105 મિ.મી),ચૂડામાં (98 મિ.મી), વઢવાણમાં (57 મિ.મી), ચોટીલામાં (44 મિ.મી) અને લીમડીમાં (34 મિ.મી) વરસાદ નોંધાયો છે.

આજે બપોરના 2 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળામાં જ 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના થાનગઢમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય જામનગરના જોડિયામાં 60 મિ.મી, મોરબીના માળિયામાં 51 મિ.મી, મોરબીમાં 38 મિ.મી, કચ્છના રાપરમાં 26 મિ.મી વરસાદ વરસ્યો છે.

મુળી ચોટિલા વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે નાયકા ડેમના 19 દરવાજા 8 ફુટ ખોલાયા છે. નાયકાડેમ ઓવરફલો થતા સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર શહેરી વિસ્તારમાં પસાર થતી ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધશે. શહેરમાં આવેલા કોઝવે પર અંદાજે 6 ફુટથી 7 ફુટ પાણી વહી શકે છે. ભોગાવો નદીની આજુબાજુના નીચાણવાળા વિસ્તારમાં આપવામાં આવ્યુ એલર્ટ, જોરાવરનગરના બન્ને કોઝવે બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નાયકાડેમનું ઓવરફલો પાણી અંદાજે સુરેન્દ્રનગર કોઝવે પહોચી શકે છે. હાલ અંદાજે 30 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

ગુજરાતમા ભારે વરસાદને પગલે રાજ્યના 134 માર્ગો બંધ છે. જેમાં 10 સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળતા કે અન્ય કોઈ કારણોસર વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. તો 28 અન્ય માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. પંચાયત હસ્તકના કુલ 95 માર્ગો વાહનવ્યવહારમાટે બંધ કરાયા છે. ભાવનગરમાંથી પસાર થતો 1 નેશનલ હાઈવે ભારે વરસાદને કારણે બંધ કરાયો છે.

આગામી 7 દિવસની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. અને આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભરેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આજે આખા દિવસ દરમિયાન 36 તાલુકામાં 1 ઈંચથી વધુ, 21 તાલુકામાં 2 ઈંચથી વધુ, 10 તાલુકામાં 3 ઈંચથી વધુ, 7 તાલુકામાં 4 ઈંચથી વધુ અને 3 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.