અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલ પર ટેરિફ લાદવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે જો કંપની ભારતમાં અથવા અન્ય કોઈ દેશમાં બનેલા iPhone અમેરિકામાં વેચે છે, તો તેના પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે.
આઇફોન નિર્માતા કંપની એપલની મુશ્કેલીઓ ઓછી થતી નથી લાગતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલ પર 25 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં વેચાતા આઇફોન ફક્ત અમેરિકામાં જ બનવા જોઈએ, ભારત કે અન્ય કોઈ દેશમાં નહીં. જો એપલ અમેરિકામાં આઈફોનનું ઉત્પાદન નહીં કરે, તો તેના પર એપલ પર ઓછામાં ઓછા 25% ટેરિફ લાદવાની ધમકી પણ આપી હતી.
આ પહેલી વાર નથી જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિએ એપલ પર નિશાન સાધ્યું હોય. આ પહેલા પણ ટ્રમ્પે એપલને ભારતમાં ઉત્પાદન ન કરવા કહ્યું હતું. એપલ પહેલાથી જ તેનું ઉત્પાદન ચીનથી ભારત અને અન્ય દેશોમાં ખસેડી રહ્યું હતું, પરંતુ ટ્રમ્પના ટેરિફ ગેમ પછી કંપનીની યોજનાઓ બગડી શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચેતવણી આપી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એપલના ફાઉન્ડર ટીમ કૂકને ચેતવણી આપી છે. તેમણે અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કરવા પર 25 ટકા ટેરિફ ચૂકવવાની ફરજ પાડતો આદેશ જાહેર કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે, ‘મેં ઘણા સમય પહેલા એપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું હતું કે તેમના આઈફોન જે અમેરિકામાં વેચાશે તે ફક્ત અમેરિકામાં જ બનવા જોઈએ, ભારત કે અન્ય કોઈ દેશમાં નહીં.’ તેમણે આગળ લખ્યું, ‘જો આવું નહીં થાય તો એપલને અમેરિકામાં ઓછામાં ઓછા 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે.’
એપલ, ટ્રમ્પ અને ટેરિફનો મુદ્દો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફની જાહેરાત કરી, ત્યારે એપલ માટે એક મોટો પડકાર ઉભો થયો. આને ટાળવા માટે, કંપનીએ તેનું ઉત્પાદન ભારત અને અન્ય દેશોમાં શિફ્ટ કરવાની યોજના બનાવી, પરંતુ ટ્રમ્પ ઇચ્છે છે કે કંપની અમેરિકામાં વેચાતા ફોનનું ઉત્પાદન અમેરિકામાં જ કરે.
આઈફોનની કિંમત વધી શકે છે
એવું માનવામાં આવે છે કે ટ્રમ્પના આ નિર્ણય બાદ અમેરિકન બજારમાં આઇફોનના ભાવ વધી શકે છે. માત્ર કિંમતો વધશે જ નહીં પરંતુ કંપનીના વેચાણ પર પણ અસર પડી શકે છે. એપલ એક મોટી અમેરિકન ટેકનોલોજી કંપની છે અને અમેરિકન રાષ્ટ્રપતિની આવી જાહેરાતથી કંપનીને ભારે નુકસાન થઈ શકે છે.
તાજેતરમાં, જ્યારે ટ્રમ્પે ચીન અને ભારત બંને પર (અલગ-અલગ) ટેરિફની જાહેરાત કરી, ત્યારે એપલે અચાનક ઘણા બધા આઇફોન યુએસ મોકલ્યા. આ બધા આઇફોન ચીન અને ભારતમાં બનાવવામાં આવ્યા હતા, જેને કંપનીએ હવાઈ માર્ગે અમેરિકામાં આયાત કર્યા હતા. જોકે, તે સમયે ટ્રમ્પે ટેરિફના અમલીકરણની તારીખો લંબાવી હતી.
થોડા દિવસ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ભારતમાં ઉત્પાદન નહીં કરે
આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે આવું નિવેદન આપ્યું હોય. તાજેતરમાં ટ્રમ્પે દોહામાં એક બિઝનેસ મીટિંગ દરમિયાન આવું જ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે ટિમ કૂક સાથે વાત કરી હતી અને તેમને ભારતમાં iPhone બનાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ટ્રમ્પે કહ્યું હતું કે મેં તેમને (ટિમ કૂક) કહ્યું હતું, મારા મિત્ર, હું તમારી સાથે ખૂબ સારો વ્યવહાર કરી રહ્યો છું. તમે ૫૦૦ અબજ ડોલર લઈને આવી રહ્યા છો, પણ હવે મેં સાંભળ્યું છે કે તમે ભારતમાં ઉત્પાદન કરી રહ્યા છો. હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો.
ભારત અને ચીનમાં કંપનીનો રસ
સસ્તા અને કુશળ મજૂરોની ઉપલબ્ધતા તેમજ ચોકસાઇ એન્જિનિયરિંગ ઉત્પાદન સપ્લાય ચેઇનને કારણે એપલ આઇફોનના ઉત્પાદન માટે ભારત તરફ આકર્ષિત થઈ છે. તેની સરખામણીમાં, અમેરિકન શ્રમ અને ઉત્પાદન ખર્ચાળ છે. ભારતમાં બનેલા આઇફોન તમિલનાડુમાં તાઇવાનના કોન્ટ્રાક્ટ ઉત્પાદક ફોક્સકોનની ફેક્ટરીમાં એસેમ્બલ કરવામાં આવે છે. ભારતમાં પેગાટ્રોન કોર્પનું સંચાલન કરતી ટાટા ઇલેક્ટ્રોનિક્સ બીજી મોટી ઉત્પાદક કંપની છે. ટાટા અને ફોક્સકોન આઇફોનનું ઉત્પાદન વધારવા માટે નવા પ્લાન્ટ બનાવી રહ્યા છે અને ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના ધરાવે છે.
આંકડા શું કહે છે?
S&P ગ્લોબલના વિશ્લેષણ મુજબ, 2024 માં યુએસમાં iPhone નું વેચાણ 75.9 મિલિયન યુનિટ રહેવાની ધારણા હતી, જેમાં માર્ચમાં ભારતમાંથી 31 લાખ યુનિટની નિકાસ થવાની ધારણા હતી. તે જ સમયે, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે એપ્રિલમાં જાહેરાત કરી હતી કે ગયા નાણાકીય વર્ષમાં ભારતમાંથી 1.5 લાખ કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરવામાં આવી હતી.