નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને AMC સંચાલિત શાળાઓની પ્રતિષ્ઠા જાળવવામાં નિષ્ફળ કોણ?
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – સ્કૂલ બોર્ડ દ્વારા ‘માટીને નમન-શહીદોને વંદન’ અંતર્ગત શહેરની મ્યુ. સંચાલિત 450 શાળાઓના નામ બદલીને “શહીદ વીરો”ના નામથી રાખવા ઠરાવમાં નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આજે પણ શહેરમાં AMC સંચાલિત શાળાઓના નામ તે વિસ્તાર-મ્યુ. વોર્ડના નામ અને નંબર પ્રમાણે રાખવામાં આવેલ છે. યોગ્ય નામ ન હોવાથી કોઈપણ શાળા તેના નામ નહીં પરંતુ તે વિસ્તારના મ્યુ. વોર્ડનું નામ અને શાળાઓની સંખ્યાનું નંબર પ્રમાણે ઓળખાય છે. તે ખુબ જ દુખદ બાબત છે.
આ બાબતે અમદાવાદ શહેરના કોંગ્રેસના લઘુમતી વિભાગના કાર્યકારી પ્રમુખ એડવોકેટ અતીક સૈયદ દ્વારા અખબારી યાદમાં જણાવ્યુ હતું કે, અમોને મળેલ માહિતી મુજબ સ્કૂલ બોર્ડ દ્વારા આજદિન સુધી કુલ 450માથી માત્ર 9 શાળાઓના નામ જ વીરશહીદોના નામ ઉપર રાખવામા આવ્યા છે. નીતિ મુજબ જેતે વિસ્તારના ચૂંટાયેલ પ્રતિનિધિઓ તેમના વિસ્તારમાં આવતી શાળાઓના નામકરણ માટે લેખિત માંગણી કરતાં હોય છે અને તે માંગણીના આધારે શાળાઓના નામકરણ કરવાંમાં આવે છે. વીર શહીદના નામથી જ મ્યુ. શાળાનું નામાભિધાન કરવામાં આવશે. તેના સિવાય અન્ય નામો ઉપર શાળાનું નામકરણ કરવામાં આવશે નહીં.

AMCના શાસક પક્ષ દ્વારા બનાવેલ નામકરણની ખામીયુક્ત નીતિ ઉપર ઘણા પ્રશ્નો ઊભા થાય છે. જો માત્ર શહીદ વીરોના નામથી શાળાઓનું નામકરણ કરવાની નીતિ અમલ કરવામાં આવશે તો 441 શાળાઓના નામકરણ કરવા માટે ઓછામાં ઓછા બીજા 25 વર્ષ લાગી જશે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, મારી મ્યુનિસપલ કિમશ્નર અને મેયર, સ્કૂલ બોર્ડના ચેરમેનને લેખિતમાં માંગણી છે કે ઉપરોક્ત નીતિમાં બદલાવ કરવામાં આવે. વીર શહીદોના નામ સાથે-અમદાવાદ શહેરમાં વસવાટ કરેલ હોય તેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ, મહાનુભાવી, શિક્ષણવિદ, AMC મેયર, શહેરમાં વસતા પૂર્વ મુખ્યમંત્રીઓ, સમાજ સેવકો, શહીદ થયેલા પોલીસ અધિકારીઓ, પદ્માભૂષણ મળેલ વ્યક્તિઓ, નોબલ પુરસ્કાર મળેલ પત્રકારો તેમજ શહેરના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર તમામ મહાનુભાવોના નામો ઉપર શહેરની મ્યુ. શાળાઓના નામકરણ કરવાની નીતિ બનાવી તાકીદે અમલ કરવાં આવે.
શાળાઓના નામકરણ મહાનુભાવોના નામો ઉપરથી કરવાથી શહેરમાં મ્યુનિસિપલ શાળાઓની પ્રતિષ્ઠા, સન્માન જળવાશે તેમ જ મ્યુ. શાળાઓમાં ભણતા વિધાર્થીઓના પ્રવેશમાં વધારો અને મ્યુ. શાળાઓના વિકાસમાં ગતિ મળશે.