આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો શ્રેય લેવાનો ઘણી વખત પ્રયાસ કર્યો હતો. જ્યારે ભારતે તેનો ઇનકાર કર્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ અંગેના પોતાના જૂના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં પોતાની ભૂમિકા અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે ભલે તેમણે મધ્યસ્થી ન કરી, પરંતુ તેમણે બંને દેશો વચ્ચેના તણાવને શાંત કરવામાં મદદ કરી. ટ્રમ્પે ગુરુવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ સીધે સીધુ એવું કહેવા નથી માંગતા કે તેમણે મધ્યસ્થી કરી હતી. તેમણે કતારના દોહાથી આ વાત કહી છે.
ટ્રમ્પે કહ્યું, ‘હું એમ કહેવા નથી માંગતો કે મેં આ કર્યું, પરંતુ મેં ચોક્કસપણે ગયા અઠવાડિયે પાકિસ્તાન અને ભારત વચ્ચેની સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરી, જે વધુને વધુ દુશ્મનાવટભરી બની રહી હતી, ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ વધુ ભયાનક બની શકી હોત. બંને દેશોએ અચાનક મિસાઇલો છોડવાનું શરૂ કર્યું અને પછી અમે તેને ઉકેલી લીધી.’
ટ્રમ્પે કતારના દોહામાં એક ભાષણમાં કહ્યું કે ‘મને આશા છે કે હું અહીંથી બહાર ન જાઉં અને બે દિવસ પછી ખબર પડે કે મામલો ઉકેલાયો નથી, પણ મને લાગે છે કે તે ઉકેલાઈ ગયો છે. મેં તે બંને સાથે વ્યાપાર વિશે વાત કરી. મેં કહ્યું ચલો વ્યાપાર કરીએ. પાકિસ્તાન ખૂબ ખુશ હતું, ભારત ખૂબ ખુશ હતું. મને લાગે છે કે તેઓ સાચા માર્ગ પર છે.’
‘ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૦૦૦ વર્ષથી યુદ્ધ’ – ડોનાલ્ડ ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે 15 મેના રોજ કતારમાં કહ્યું, “તેઓ (ભારત-પાકિસ્તાન) લગભગ 1,000 વર્ષથી લડી રહ્યા છે. તો મેં કહ્યું કે હું આનો ઉકેલ લાવી શકું છું; મને આનો ઉકેલ લાવવા દો, અને ચાલો તે બધાને એકસાથે લાવીએ. તમે લગભગ 1,000 વર્ષથી કેટલા સમયથી લડી રહ્યા છો? મને ખાતરી નથી કે આનો ઉકેલ કેવી રીતે આવશે. તે મુશ્કેલ છે. તેઓ લાંબા સમયથી લડી રહ્યા છે. તે ખરેખર નિયંત્રણ બહાર જવાનુ હતું.”
ભારત અને પાકિસ્તાને 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ માહિતી સૌપ્રથમ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. ટ્રમ્પે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, ‘મને એ જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે. સામાન્ય સમજ અને મહાન બુદ્ધિમત્તા દર્શાવવા બદલ બંને દેશોને અભિનંદન.
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર ટ્રમ્પના દાવા
13 મે: સાઉદીમાં કહ્યું- મેં બિઝનેસનો ઉપયોગ કર્યો; આજે કતાર પ્રવાસે પહોંચશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય પોતાના નામે કર્યો છે. મંગળવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ટ્રમ્પે કહ્યું કે મેં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરવા માટે મોટેભાગે બિઝનેસનો ઉપયોગ કર્યો.
ટ્રમ્પે સાઉદી-અમેરિકા રોકાણ મંચમાં કહ્યું, ‘મેં ભારત અને પાકિસ્તાનને કહ્યું, ચાલો મિત્રો, ચાલો એક ડીલ કરીએ. કોઈ બિઝનેસ કરીએ. પરમાણુ મિસાઇલોનો વેપાર ન કરો. તેના બદલે જે વસ્તુઓ તમે ખૂબ સુંદર રીતે બનાવો છો તેનો બિઝનેસ કરો.’
12 મે: ટ્રમ્પે કહ્યું- અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ બંધ કરી દીધું છે. તેમણે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે અમેરિકાએ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાવવામાં મદદ કરી છે.
ટ્રમ્પે કહ્યું, મને ખાતરી છે કે આ યુદ્ધવિરામ કાયમી રહેશે. બંને દેશો પાસે પુષ્કળ પરમાણુ શસ્ત્રો છે, આનાથી વિનાશક પરમાણુ યુદ્ધ થઈ શકે છે. લાખો લોકો માર્યા ગયા હોત.
11 મે: મને ભારત અને પાકિસ્તાનના મજબૂત નેતૃત્વ પર ખૂબ ગર્વ છે જેમણે તાકાત, શાણપણ અને હિંમત બતાવીને નિર્ણય લીધો કે હવે વર્તમાન તણાવનો અંત લાવવાનો સમય છે. આ તણાવ લાખો લોકોના મૃત્યુ અને વિનાશમાં પરિણમી શક્યો હોત. લાખો નિર્દોષ લોકો મૃત્યુ પામી શક્યા હોત.
મને ખુશી છે કે અમેરિકા તમને આ ઐતિહાસિક અને હિંમતવાન નિર્ણય સુધી પહોંચવામાં મદદ કરી શક્યું. હું બંને દેશો સાથે વેપાર વધારવા જઈ રહ્યો છું. તેની સાથે, હું બંને સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરીશ કે શું “હજાર વર્ષ” પછી કાશ્મીર મુદ્દાનો ઉકેલ મળી શકે છે.
10 મે: મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી વાટાઘાટો પછી, ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. બંને દેશોને શાણપણ બતાવવા બદલ અભિનંદન.