પાકિસ્તાન પહેલા PoK ખાલી કરે, પછી જ દ્વિપક્ષીય વાતચીત થશે; આ મુદ્દે ત્રીજા કોઈ પક્ષે દખલ કરવી નહીં

randhirJaiswal

જયસ્વાલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને પણ ફગાવી દીધો કે યુદ્ધવિરામ માટે વેપારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી, ભારતે તેના પાડોશી દેશ પાકિસ્તાનને સ્પષ્ટપણે કહ્યું છે કે તેણે પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ખાલી કરવું પડશે, ત્યારબાદ જ દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ શકે છે અને તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવી શકાય છે.

મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજા હેઠળનું કાશ્મીર (POK) ખાલી કરવું પડશે. લાંબા સમયથી અમારું વલણ રહ્યું છે કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઈએ; આ વલણ બદલાયું નથી.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જમ્મુ – કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે જ ઉકેલાશે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા રહેશે નહીં. અમે કાશ્મીર મુદ્દા પર કોઈ ત્રીજા પક્ષને સ્વીકારતા નથી. કોઈ ત્રીજા દેશે મધ્યસ્થી બનવાની વાત ન કરવી જોઈએ.

પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા પ્રદેશ ભારતને પરત કરવાનો છે.” જયસ્વાલે એમ પણ કહ્યું કે પાકિસ્તાની એરબેઝનો નાશ થયા પછી જ તેમનો સૂર બદલાયો. તેમણે કહ્યું કે 10 મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે થયેલી વાતચીત બાદ જ યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા તે જ દિવસે બપોરે 12.37 વાગ્યે વિનંતી કરવામાં આવી હતી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે ટેકનિકલ કારણોસર બંને ડીજીએમઓ હોટ લાઈનમાં એકબીજાનો સંપર્ક કરી શક્યા ન હતા, તેથી તેમની વચ્ચે ફરીથી 15.35 વાગ્યે કોલ સ્થાપિત થયો. તેમણે કહ્યું કે તે જ દિવસે સવારે હવાઈ હુમલામાં પાકિસ્તાની એરબેઝનો નાશ કરવામાં આવ્યો હતો.

ભારતે સ્પષ્ટતા કરી કે આ પાકિસ્તાનની મજબૂરી હતી, કારણ કે તે જ સવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના મુખ્ય વાયુસેના મથકો પર ખૂબ અસરકારક હુમલા કર્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘ભારતીય સૈન્ય દળની તાકાત હતી જેણે પાકિસ્તાનને ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા મજબૂર કર્યું.’

વિદેશ મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી કે અન્ય દેશો સાથેની વાતચીતમાં, ભારતે એ જ સંદેશ આપ્યો છે કે તે 22 એપ્રિલના આતંકવાદી હુમલાના જવાબમાં ફક્ત આતંકવાદી માળખાને જ નિશાન બનાવી રહ્યું છે. જો પાકિસ્તાની સેના ગોળીબાર કરશે તો ભારતીય સેના પણ વળતો જવાબ આપશે. પણ જો પાકિસ્તાન અટકશે તો ભારત પણ અટકી જશે. ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યું ત્યારે પાકિસ્તાનને પણ આ જ સંદેશ આપવામાં આવ્યો હતો, જેને તેમણે તે સમયે અવગણ્યું હતું.

જ્યારે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પરના કથિત નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો કે ભારતનું વલણ સ્પષ્ટ અને મક્કમ છે, જમ્મુ અને કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. આ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજે કરેલો ભારતીય પ્રદેશ (POK) ખાલી કરવો પડશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી 7 મે થી 10 મે દરમિયાન ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત-અમેરિકાના નેતાઓ વચ્ચે થયેલી વાતચીતનો સવાલ છે, ત્યાં સુધી ફક્ત લશ્કરી પરિસ્થિતિ પર ચર્ચા થઈ હતી અને વેપાર સંબંધિત કોઈ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ગઈકાલે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે જાહેર કરાયેલા યુદ્ધવિરામ અંગે દાવો કર્યો હતો કે, “અમે ઘણી મદદ કરી. અમે વેપાર દ્વારા મદદ કરી. અમે કહ્યું હતું કે અમે તમારી સાથે ઘણો વેપાર કરીએ છીએ, આ (લડાઈ) બંધ કરો. જો તમે રોકો છો, તો અમે વેપાર કરીશું, જો તમે નહીં રોકો છો, તો અમે વેપાર કરીશું નહીં. વેપાર સમાપ્ત કરવાની વાત આવતા જ, તેઓ (ભારત અને પાકિસ્તાન) તરત જ સંઘર્ષ બંધ કરવા સંમત થયા.”

જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદને ઉદ્યોગની જેમ પોષ્યો છે. તેમણે કહ્યું કે, ભારતે આતંકવાદી માળખાનો નાશ કર્યો જે ફક્ત ભારતીયો જ નહીં પરંતુ વિશ્વભરના ઘણા નિર્દોષ લોકોના મૃત્યુ માટે જવાબદાર હતો. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અફર રીતે સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે ત્યાં સુધી ભારત સિંધુ જળ સંધિને સ્થગિત રાખશે.

TRF વિશે UNSC ને વધુ પુરાવા આપશે
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે પાકિસ્તાનને હાલ પાણી આપવામાં આવશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ હુમલા અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચાલી રહેલી અટકળો વચ્ચે, વિદેશ મંત્રાલયે કહ્યું કે અમારી લશ્કરી કાર્યવાહી સંપૂર્ણપણે પરંપરાગત શસ્ત્રો સુધી મર્યાદિત હતી. તેમણે કહ્યું કે તેઓ આતંકવાદી સંગઠન TRF વિશે UNSC ને વધુ પુરાવા આપશે. જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાન હાર્યા પછી પણ ઉજવણી કરે છે અને હાર્યા પછી પણ ઢોલ વગાડવાનું તેનું જૂનું વલણ રહ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારતીય ઠેકાણાઓ પર હુમલા અંગે જુઠ્ઠાણું ફેલાવ્યું.