ભારતના ડ્રોન હુમલામાં પાકિસ્તાનનું રાવલપિંડી સ્ટેડિયમને મોટુ નુકસાન, આજે રાત્રે રમાવાની હતી મેચ

rawalpindiStadium

આ હુમલા બાદ ઇંગ્લેન્ડના ખેલાડીઓને ડર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે. એટલા માટે તે પીએસએલ છોડીને પોતાના દેશ પાછા જવા માંગે છે.

‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારત દ્વારા કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારતે દુશ્મન દેશને એવો જવાબ આપ્યો છે કે તે ધ્રુજવા લાગ્યો છે.

ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પીઓકે અને પાકિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા અને હવે ભારતીય સેનાએ આજે સવારે પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી, સિયાલકોટ અને ગુજરાંવાલા સહિત 6 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં પાકિસ્તાનનું લાહોર સ્થિત એર ડિફેન્સ યુનિટ પણ તબાહ થઈ ગયું છે. આ ડ્રોન હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમને પણ ભારે નુકસાન થયાના અહેવાલ છે. આ સ્ટેડિયમમાં આજે રાત્રે પાકિસ્તાન ક્રિકેટ લીગની મેચ રમાવાની હતી.

આ પહેલા પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે ભારતના 15 સૈન્ય સ્થળોએ મિસાઇલ અને ડ્રોન વડે હુમલા કર્યા હતા. ભારતની S-400 વાયુ રક્ષા પ્રણાલીએ આ હુમલાને નિષ્ફળ કરી દીધા. ત્યારબાદ ભારતીય સેનાએ આ હુમલાનો જવાબ આપતાં આજે સવારે પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી સહિત છ સ્થળોએ ડ્રોન વડે હુમલો કર્યો હતો. જેમાં રાવલપિંડીનું સ્ટેડિયમ, લાહોરમાં એર ડિફેન્સ યુનિટ નષ્ટ થયું છે. ભારતના પલટવારથી પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે.

રાવલપિંડી સ્ટેડિયમમાં આજે રાત્રે પાકિસ્તાન સુપર લીગ (PSL)ની મેચ રમાવાની હતી. આ પીએસએલ મેચ પેશાવર ઝાલ્મી અને કરાચી કિંગ્સ વચ્ચે યોજાવાની હતી. કરાચીના કેપ્ટન ઓસ્ટ્રેલિયાના અનુભવી ક્રિકેટર ડેવિડ વોર્નર છે અને પેશાવરના કેપ્ટન બાબર આઝમ છે. પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે યોજાનારી કરાચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચેની મેચ રદ કરવામાં આવી છે અને તેને કરાચી ખસેડવામાં આવી છે.

આ વર્ષે #PSL2025માં 7 ઈંગ્લેન્ડના ખેલાડીઓ રમી રહ્યા છે. આ ખેલાડીઓ છે – જેમ્સ વિન્સ, ટોમ કુરન, સેમ બિલિંગ્સ, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, લ્યુક વુડ અને ટોમ કોહલર-કેડમોર. આ હુમલા બાદ ઇંગ્લેન્ડના ખેલાડીઓને ડર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે. એટલા માટે તે પીએસએલ છોડીને પોતાના દેશ પાછા જવા માંગે છે.

બીજી બાજુ ભારતમાં ચાલી રહેલી આઇપીએલ મેચના સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે વધી રહેલા તણાવના કારણે 11 મેના રોજ હિમાચલના ધર્મશાલામાં રમાનારી મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ ધર્મશાલાના બદલે અમદાવાદમાં શિફ્ટ કરવામાં આવી છે.

પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટીંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલઈ અને ગુજરાતના ભુજમાં ડ્રોન અને મિસાઇલ વડે હુમલા કર્યા હતા.