ચાની લારી ચલાવતા પિતાનો પુત્ર 99.99 PR સાથે બોર્ડમાં ફર્સ્ટ: એકાઉન્ટ સહિતના વિષયમાં 100માંથી 100 મેળવ્યા

rajparmarBoardFirst

બંને આંખે દૃષ્ટિ ન હોવા છતાં યેશાએ 96.23 પી.આર મેળવ્યા, દિવ્યાંગ ઉર્વી રાઠીએ 90 ટકા મેળવ્યા, કોરોનામાં પિતા ગુમાવનાર ધાર્મી કથીરિયાએ 99.99 PR મેળવ્યા

ગુજરાત રાજ્ય માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એમાં રાજકોટમાં ચાની લારી ચલાવતા પિતાનો પુત્ર રાજ પરમાર બોર્ડ ફર્સ્ટ આવ્યો છે. કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર ધાર્મીએ હાર ના માની. તો પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ ઉર્વી રાઠી અને યેશા મકવાણાએ કુદરતે આપેલી ખામીને ખૂબીમાં પરિવર્તિત કરી સિદ્ધિ હાંસલ કરી બતાવી દીધું કે લહેરો સે ડર કર નૌકા પાર નહિ હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી…

ચાની લારી ચલાવનારના પુત્ર રાજ પરમારે 99.99 PR મેળવી બોર્ડમાં ફર્સ્ટ આવ્યો
રાજકોટ શહેરની મોદી સ્કૂલના એક રાજ પરમારે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ સમગ્ર બોર્ડમાં ફર્સ્ટ આવ્યો છે. તેને 99.99 PR આવ્યા છે. રાજ પરમારના પિતા નારણભાઈ છેલ્લા છ-સાત વર્ષથી ચાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અભ્યાસની સાથે ચાની લારીએ પિતાને મદદ કરતા પુત્રએ ઉજ્જવળ પરિણામ હાંસલ કરતાં પરિવારમાં હર્ષનો માહોલ છે અને હવે આ દીકરો CA બનવા માગે છે.

પોતાની આ સફળતા અંગે વાત કરતા રાજ પરમારે જણાવ્યું હતું કે તેમને એકાઉન્ટ, અર્થશાસ્ત્ર અને SP & CC જેવા વિષયોમાં 100 માંથી 100 માર્ક્સ પ્રાપ્ત થયા છે. પોતાની તૈયારી અંગે વાત કરતા રાજે જણાવ્યું હતું કે તેઓ શાળા દ્વારા આપવામાં આવતું દૈનિક કાર્ય નિયમિત રીતે કરતા હતા. આ ઉપરાંત, સ્કૂલ દ્વારા લેવામાં આવતી યુનિટ ટેસ્ટ, વીકલી ટેસ્ટ અને ડિઝાઇનર ટેસ્ટમાં પણ તેઓ સારો દેખાવ કરતા હતા.

રાજે જણાવ્યું કે તેઓ શાળાના સમય ઉપરાંત દરરોજ બે થી ત્રણ કલાક પોતાના પિતાની ચાની લારી પર મદદ કરવા જતા હતા અને ઘરે પણ 6 થી 7 કલાક જેટલું વાંચન કરતા હતા. તેમનું ભવિષ્યનું લક્ષ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાનું છે. આ ભવ્ય સફળતાનો શ્રેય રાજ મોદી સ્કૂલના ટ્રસ્ટી રશ્મિકાંત મોદી, તેમના શિક્ષકો અને તેમના માતા-પિતાને આપતા રાજે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

કોરોનામાં પિતા ગુમાવનાર ધાર્મી કથીરિયાએ 99.99 PR મેળવ્યા
રાજકોટની ધાર્મી કથીરિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.99 PR મેળવીને પરિવારનું અને શાળાનું નામ રોશન કર્યું છે. કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવી પણ દીકરીએ હાર ન માની અને પિતાનાં સપનાંને પૂરાં કરવા માટે બોર્ડમાં 99.99 PR મેળવ્યા. તેણે જણાવ્યું કે આ માટે મારી માતા-ભાઈ તેમજ શાળાનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે.

દિવ્યાંગ ઉર્વી રાઠીએ 90 ટકા મેળવ્યા
અમદાવાદની દિવ્યાંગ દીકરી ઉર્વી રાઠીએ ધોરણ 12માં 90 ટકા મેળવ્યા છે. આ દીકરીએ સામાન્ય વિદ્યાર્થીઓની સાથે સામાન્ય વિદ્યાર્થીની જેમ જ ભણીને પરિણામ મેળવ્યું છે. ઉર્વી હવે BBA અને MBA કરવા માગે છે.

ઉર્વીએ આ અંગે વાત કરી જણાવ્યું હતું કે મારી બ્લાઇડનેસ વીક્નેસ નથી. હું જન્મી ત્યારથી બ્લાઇન્ડ હતી. શરૂઆતમાં મારું વિઝન ઓછું હતું અને ધીમે ધીમે સાવ બંધ થઈ ગયું. મને ખબર હતી કે આગળ જતાં મને તકલીફ પડશે, પરંતુ મારે અભ્યાસ કરવો હતો, તેથી હું કોઈ હેલ્પર કે રીડર સાથે રાખીને હંમેશાં અભ્યાસ કરતી હતી. હું ધો. 12માં આવી ત્યારે મારા ભાઈ અને ફ્રેન્ડ્સે મને ખૂબ જ મદદ કરી છે. મને એચ.બી.કે સ્કૂલમાં શિક્ષકોએ પણ ખૂબ મદદ કરી છે.

વધુમાં તેણે કહ્યું કે મારે સામાન્ય વિદ્યાર્થી સાથે જ અભ્યાસ કરવો હતો, કારણ કે હું જાણું છું કે હું બ્લાઇન્ડ છું, પરંતુ મારે બ્લાઇન્ડનેસને વીક્નેસ નથી સમજવી. સામાન્ય વિદ્યાર્થીઓની સાથે જ હરીફાઈ કરીને હું પરિણામ લાવી છું. મારી બહેન પણ બ્લાઇડ છે, જે TDO છે, તે મારી રોલ મોડલ છે. મારે BBA અને MBA કરવું છે.

બંને આંખે દૃષ્ટિ ન હોવા છતાં યેશાએ 96.23 PR મેળવ્યા
વડોદરાની દિવ્યાંગ વિદ્યાર્થિની યેશા મકવાણાએ અદ્ભુત સફળતા હાંસલ કરી છે. બંને આંખે દૃષ્ટિ ન હોવા છતાં યેશાએ બીઆરજી ગ્રુપની ઉર્મી સ્કૂલમાં ધોરણ-12 (ઇંગ્લિશ માધ્યમ, આર્ટ્સ)માં 96.23 પી.આર મેળવ્યા છે. જન્મથી દિવ્યાંગ યેશાએ કુદરતે આપેલી ખામીને ખૂબીમાં પરિવર્તિત કરી છે. તેણે બ્રેઇલ લિપિની મદદથી પરીક્ષાના જવાબો કોમ્પ્યુટર દ્વારા લખ્યા હતા. દીકરી હવે ગ્રેજ્યુએશન કરી યુ.પી.એસ.સી પરીક્ષા પાસ કરી ઓફિસર બનવા માગે છે.