અમદાવાદમાં શો કરવા માટે આવતા સમયે તેમની કાર ડમ્પર સાથે અથડાઈ, અન્ય 2 લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા,
‘ઈન્ડિયન આઈડલ 12’નો વિજેતા પવનદીપ રાજનનો આજે વહેલી સવારે 3:40 વાગ્યે મોટો અકસ્માત થયો છે. તેઓ થોડા સમય પહેલાં ગાયક પોતાના વતન ચંપાવત ગયા હતા. તેમને અમદાવાદમાં એક શો કરવાનો હતો. જેના માટે દિલ્હીથી ફ્લાઈટ દ્વારા અમદાવાદ આવવાનું હોવાથી તેઓ ઘરેથી દિલ્હી એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે ત્તર પ્રદેશના મુરાદાબાદ નજીક તેમનો અકસ્માત થયો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા તેમને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમની હાલત ખૂબ જ નાજુક હોય તેવુ જાણવા મળેલ છે. તેમની સારવારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગાયક પવનદીપ રાજન MG-HECTOR કારમાં દિલ્હી એરપોર્ટ જઈ રહ્યા હતા, ત્યારે રાત્રે લગભગ 2.30 વાગ્યે મુરાદાબાદ નજીક ચોપાલા ક્રોસિંગ ઓવરબ્રિજ પરથી નીચે ઉતરતી વખતે તેમની કાર હાઇવેની બાજુમાં પાર્ક કરેલા એક ડમ્પરમાં પાછળથી ઘુસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી અકસ્માતમાં પવનદીપ, તેનો મિત્ર અજય મહેરા અને ડ્રાઈવર રાહુલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું.
માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને કારમાંથી બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાંથી ડોક્ટરે ત્રણેયને મુરાદાબાદ રેફર કર્યા. ત્રણેયની ગંભીર હાલત જોઈને પોલીસે તેમને ડિડૌલીમાં હાઇવે પર સ્થિત એક ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કર્યા. હાલમાં ત્રણેય નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની હાલત ગંભીર છે.

પવનદીપ રાજનના મેનેજરે જણાવ્યું છે કે પવનદીપની સારવાર ચાલી રહી છે, તેમને ટૂંક સમયમાં મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. પવનદીપને ઘણી ઈજાઓ થઈ છે. તેમના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. તેમને માથામાં પણ ઈજા પહોંચી છે. હાલમાં આ અકસ્માત કેવી રીતે થયો એની માહિતી બહાર આવી નથી. પરંતુ પોલીસ તપાસ કરી રહી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર ડ્રાઈવરને ઝોકું આવી જતાં કાર ડમ્પર સાથે અથડાતા અકસ્માત થયો હતો.
હોસ્પિટલથી પવનદીપનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જ્યાં ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. ગંભીર હાલતને જોતા ચાહકો તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.