દેશનાં કેટલાક રાજ્યોને આગામી 7 મેએ મોક ડ્રીલ યોજવા ગૃહ મંત્રાલયનો નિર્દેશ

mockDrill

દેશભરમાં સાઈરન વાગશે, નાગરિકોને હુમલાથી બચવાની ટ્રેનિંગ અપાશે
આ મોક ડ્રીલનો હેતુ લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ભારતે પાકિસ્તાન સામે ઘણી કાર્યવાહી કરી છે. ભારતના કડક પગલાંથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ અને પરમાણુ હુમલાની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં કેન્દ્રીય ગૃહ વિભાગે તમામ રાજ્યોને એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે.

ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યોને અસરકારક નાગરિક સુરક્ષા માટે આગામી 7 મેએ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવાનો નિર્દેશ કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોને 7 મેના રોજ હવાઈ હુમલાના સાયરન સંબંધિત મોક ડ્રીલ કરવા સૂચના આપી છે. આ મોક ડ્રીલમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે. રાજ્યોને હવાઈ હુમલાના ચેતવણીના સાયરન લગાવવા પણ સૂચના આપવામાં આવી છે.

નાગરિક સંરક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે કે હવાઈ હુમલાના સાયરન વાગવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને બચાવ અંગે તાલીમ આપવામાં આવે. કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં, આ સાયરન વાગવા લાગે છે જેથી લોકો નજીકમાં કોઈ સલામત જગ્યાએ છુપાઈ શકે.

મોક ડ્રીલમાં શું શું કરવામાં આવશે?

  • હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરનનું નિરીક્ષણ અને ઉપયોગ.
  • હુમલા દરમિયાન નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને પોતાનું રક્ષણ કરવા માટે તાલીમ આપવી.
  • મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે.
  • હુમલા દરમિયાન ક્રેશ બ્લેક આઉટ વ્યવસ્થા
  • નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે.
  • વિસ્તાર ખાલી કરાવવાની યોજનાને અપડેટ અને રિહર્સલ કરવી
  • મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે.

આ મોક ડ્રીલનો હેતુ લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે. આ પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહને મળ્યા હતા. તાજેતરમાં, તેઓ એર ચીફ માર્શલ એપી સિંહ અને નેવી ચીફ દિનેશ કુમાર ત્રિપાઠીને પણ મળ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાયુસેનાના વડાએ વડાપ્રધાન મોદીને યુદ્ધની તૈયારીઓ વિશે માહિતી આપી. રવિવારે થયેલી આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે વાયુસેના દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. પશ્ચિમી સરહદ પર સંરક્ષણ નેટવર્ક સંપૂર્ણપણે સક્રિય છે અને રાફેલ પણ તૈયાર છે.

નોંધનીય છે કે આવી મોક ડ્રીલ છેલ્લે વર્ષ 1971માં યોજાઇ હતી, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.

કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ 26 સહેલાણીઓની ગોળી મારીને હત્યા કરી હતી. જે બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. વડાપ્રધાન મોદી તથા કેન્દ્રીય નેતાઓએ આતંકવાદીઓને કડકમાં કડક સજા આપીશું તેવી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે સિંધુ સંધિ કરાર પર રોક, પાકિસ્તાનીઓના વિઝા રદ, એરસ્પેસ તથા વેપાર બંધ કરવા જેવા અનેક નિર્ણયો લીધા છે.