- વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઘણા કિલોમીટર સુધી ઇમારતોની કાચની બારીઓ તૂટી ગઈ.
- વિસ્ફોટ પછી આકાશમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળતા હતા.
ઈરાનના દક્ષિણપશ્ચિમ ભાગમાં સ્થિત બંદર અબ્બાસ શહેરમાં શનિવાર (26 એપ્રિલ, 2025) ના રોજ શાહિદ રાજાઈ બંદર પર એક પ્રચંડ વિસ્ફોટ થયો છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. ૫૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના સ્થળે જ્વલનશીલ પદાર્થોના સંગ્રહમાં બેદરકારી હતી. આ કારણે આ દુર્ઘટના ઘટી. બંદર પર વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઘણા કિલોમીટર સુધી ઇમારતોની કાચની બારીઓ તૂટી ગઈ. સોશિયલ મીડિયાપર વિસ્ફોટના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં આ વિસ્ફોટ પછી આકાશમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે.
વિસ્ફોટ અંગે માહિતી આપતા સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના વડા મેહરદાદ હસનઝાદેહે ઈરાનના રાજ્ય મીડિયાને જણાવ્યું હતું કે, “શાહિદ રાજાઈ બંદર પર રાખવામાં આવેલા કન્ટેનરમાં વિસ્ફોટ હતો. બચાવ કાર્યકરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે, લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે. ઘાયલોને સારવાર માટે તબીબી કેન્દ્રોમાં મોકલવામાં આવી રહ્યા છે.”
હોર્મોઝગન રેડ ક્રેસન્ટ સોસાયટીના વડા, મુખ્તાર સલાહશૌરે સરકારી ટીવીને જણાવ્યું હતું કે, “બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ ચાર રેપિડ રિસ્પોન્સ ટીમોને સ્થળ પર મોકલવામાં આવી છે.” અહીં ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલ સહિતના ટેન્કો હોવાથી વિસ્ફોટ બાદ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. વિસ્ફોટ બાદ બંદર પરની તમામ કામગીરી બંધ થઈ ગઈ છે.
વિસ્ફોટ પછી નેશનલ ઈરાની પેટ્રોલિયમ રિફાઇનિંગ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે વિસ્ફોટથી આ વિસ્તારમાં તેલ સુવિધાઓને કોઈ અસર થઈ નથી. આ બંદર ઈરાનની રાજધાની તેહરાનથી 1000 કિમી દૂર છે.
આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે ઈરાની અધિકારીઓ નવા પરમાણુ કરાર અંગે અમેરિકન અધિકારીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે.
ઈરાનની અર્ધ-સત્તાવાર તસ્નીમ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ બંદર પર મોટી સંખ્યામાં લોકો કામ કરે છે, તેથી આ વિસ્ફોટમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઘાયલ અને માર્યા ગયા હોવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે શાહિદ રાજાઈ બંદર ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 1,000 કિલોમીટર દક્ષિણમાં અને બંદર અબ્બાસ શહેરથી 23 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે, જે ઈરાનનું સૌથી અદ્યતન કન્ટેનર બંદર છે. વિશ્વના તેલ ઉત્પાદનનો પાંચમો ભાગ આ બંદરમાંથી પસાર થાય છે.
વર્ષ 2020 માં ઈરાનનું સૌથી અદ્યતન કન્ટેનર બંદર શાહિદ રાજાઈ સાયબર હુમલાનો ભોગ બન્યું. આ સાયબર હુમલાને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે અરાજકતા ફેલાઈ ગઈ હતી. તે જ સમયે, વોશિંગ્ટન પોસ્ટે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે આ હુમલા પાછળ ઇઝરાયલનો હાથ હોવાનું કહેવાય છે, જે ઈરાન દ્વારા અગાઉના સાયબર હુમલાના જવાબમાં કરવામાં આવ્યું હતું.