‘આતંકવાદ માનવતાનો દુશ્મન…’ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ પહેલગામ હુમલા પર શોક વ્યક્ત કર્યો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નિપજ્યા છે. સામાન્ય માણસ હોય કે ખાસ વ્યક્તિ, નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા હુમલાથી દરેક વ્યક્તિ દુઃખી અને આઘાતમાં છે. ત્યારે હવે દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ પહેલગામ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે અને તમામ ઘાયલોને મફત સારવાર આપવાની વાત કરી છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની રાજનેતાઓ, રમત ગમત જગતના ખેલાડીઓ, ફિલ્મ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓએ નિંદા કરી છે. એવામાં હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ આ આતંકી હુમલાને દુઃખદ ગણાવ્યો છે અને નિર્દોષ ભારતીયોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “પહલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલામાં નિર્દોષ ભારતીયોના મોત પર રિલાયન્સ પરિવાર શોક વ્યક્ત કરે છે. અમે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ. હુમલામાં ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી અમે કામના કરીએ છીએ. મુંબઈમાં અમારી રિલાયન્સ ફાઉન્ડેશન સર એચ એન હોસ્પિટલ તમામ ઘાયલોને મફત સારવાર પૂરી પાડશે.”
મુકેશ અંબાણીએ આતંકવાદને માનવતાનો દુશ્મન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદને કોઈપણ રીતે અને કોઈપણ વ્યક્તિ દ્વારા સમર્થન આપવું જોઈએ નહીં. આતંકવાદના ખતરા સામેની નિર્ણાયક લડાઈમાં અમે વડાપ્રધાન, ભારત સરકાર અને સમગ્ર દેશની સાથે છીએ.
આ મુશ્કેલ સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની સાથે છે. કંપની આતંકવાદ સામેની લડાઈમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપશે. રિલાયન્સ ફાઉન્ડેશન ઘાયલોને સારી સારવાર આપવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ એમ પણ કહ્યું કે તે પીડિત પરિવારોની સાથે છે. તે તેમને દરેક શક્ય રીતે મદદ કરશે. રિલાયન્સ માને છે કે આતંકવાદને જડમૂળથી ઉખાડી નાખવો જરૂરી છે.