ભુજની જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, કોઈ જાનહાની નહીં

bhujFire

જૂની જેલના કમ્પાઉન્ડમાં પોલીસે જપ્ત કરેલા વાહનો આગની ચપેટમાં આવતા ધડાકા થયા હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ભુજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બીજી તરફ જેલ કમ્પાઉન્ડમાં રહેલા વાહનો આગની ચપેટમાં આવી જતા એક પછી એક વાહનો બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટના અવોજો તેમજ આગને કારણે નીકળેલા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ભીષણ આગની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બીજી તરફ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી હતી.

પ્રાથમિક તપાસમાં આ ઘટના ભૂજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક બની હોવાનું જાણવા મળ્યું છે. જૂની જેલના કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનોમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં રાખવામાં આવેલ વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ હોવાથી બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધાર કર્યું હતુ. દૂર-દૂર સુધી બ્લાસ્ટ થવાના અવાજો સંભળાયા હતા. જેના પરિણામે આસપાસના લોકોમાં વધુ ભય ફેલાયો હતો.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે અને હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે, આગના કારણે વાહનોને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. આ આગની ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જી દીધો છે. આગ લાગવાનું કારણ અને નુકસાનની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.