વકફ સુધારા બિલ સંસદ દ્વારા પસાર થઈ ગયું હોવા છતાં, મુસ્લિમ સમુદાયમાં આ બિલ સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ શહેરોમાં મુસ્લિમ સમુદાયના લોકોએ બિલ વિરુદ્ધ પ્રદર્શનો કર્યા. આ દરમિયાન તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અમે વક્ફ સુધારા બિલને નકારી કાઢીએ છીએ.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વક્ફ સુધારા બિલને સંસદમાંથી પસાર કરાવવામાં સફળ રહી. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ તે કાયદો બનશે. ભલે કેન્દ્ર સરકાર ખાતરી આપવાનો પ્રયાસ કરી રહી છે કે વકફ બિલ મુસ્લિમોને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. આમ છતાં, આ બિલ અંગે મુસ્લિમ સમુદાયમાં ગુસ્સો છે. આ જ કારણ છે કે તેઓએ દેશના વિવિધ શહેરોમાં બિલનો વિરોધ પણ કર્યો.
શુક્રવારની નમાઝ પછી હજારો લોકો ગુજરાત, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, આસામમાં વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. વિરોધીઓએ બિલ સાથે પોતાની અસંમતિ વ્યક્ત કરી. ‘અમે વકફ સુધારાને નકારીએ છીએ’ અને ‘વકફ બિલ રદ કરો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
અમદાવાદમાં મુસ્લિમ સમુદાયના હજારો લોકો રસ્તાઓ પર એકઠા થયા હતા. લોકોના હાથમાં કાળી પટ્ટી બાંધેલી હતી. તેમનાં પોસ્ટરો અને બેનરો પર લખ્યું હતું- વક્ફ બિલ પાછું લો, યુસીસીનો અસ્વીકાર કરો. ભીડે “સરમુખત્યારશાહી નહીં ચાલે” ના નારા લગાવ્યા હતા. આ દરમ્યાન પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવાનો પ્રયાસ કર્યો. AIMIM રાજ્ય એકમના વડા અને 50 સભ્યોની પોલીસે અટકાયત કરી હતી.
ચેન્નાઈમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. અભિનેતા વિજયની પાર્ટી, તમિલગા વેટ્ટી કઝગમ (TVK) એ રાજ્યવ્યાપી વિરોધનું આહ્વાન કર્યું હતું.
ઉત્તરપ્રદેશના તમામ 75 જિલ્લામાં પોલીસ હાઇ એલર્ટ પર છે. ફ્લેગ માર્ચ ચાલુ રહે છે. લખનઉમાં દરગાહ અને મસ્જિદો પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. યુપી લઘુમતી આયોગના પૂર્વ અધ્યક્ષ અશફાક સૈફીને વક્ફ સુધારા બિલને સમર્થન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. તેમના સાળાને માર મારવામાં આવ્યો.
કેરળના મુનામ્બમમાં વક્ફ સાથે જમીન વિવાદમાં સંડોવાયેલા 50 લોકો ભાજપમાં જોડાયા. આ લોકોની મિલકત પર વક્ફ બોર્ડનો દાવો છે. આ લોકો છેલ્લા 6 મહિનાથી વક્ફનો વિરોધ કરી રહ્યા છે.
રાંચીમાં પણ હોબાળો ચાલી રહ્યો છે. લોકોએ કહ્યું હતું કે વક્ફ બિલ દેશ માટે યોગ્ય નથી, મુસ્લિમો માટે યોગ્ય નથી. બિહારમાં પણ લોકો બિલનો વિરોધ કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળના કોલકાતામાં પાર્ક સર્કસ ક્રોસિંગ ખાતે હજારો લોકો રસ્તાઓ પર એકઠા થયા. અહીં પણ લોકો વક્ફ બિલને નકારવાની માગણી સાથે બેનરો અને પોસ્ટરો લઈને વિરોધ કરી રહ્યા છે. કોલકાતામાં ઘણી જગ્યાએ વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે. વક્ફ બિલના વિરોધમાં લોકોએ પ્લેકાર્ડ સળગાવ્યાં.
ગુરુવારે મોડીરાત્રે રાજ્યસભામાં 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી ચર્ચા બાદ વક્ફ સુધારા બિલ પસાર થયું. બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા. એક દિવસ પહેલાં લોકસભામાં પણ બિલ પર 12 કલાક ચર્ચા થઈ હતી. આ પછી 288 સાંસદે પક્ષમાં મતદાન કર્યું અને 232 સાંસદે વિરોધમાં મતદાન કર્યું.