દિલ્હીના ટોચના ન્યાયાધીશ યશવંત વર્માના બંગલામાં આગ લાગ્યા બાદ ભારે માત્રામાં રોકડ મળી આવી હતી. આ મામલે હવે તપાસ શરુ કરી દેવાઈ છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ જજોની કોલેજિયમે જસ્ટિસ વર્માને પાછા અલ્લાહાબાદ હાઇકોર્ટ મોકલવાની ભલામણ કરી છે. એવી અટકળો હતી કે, વર્મા વિરુદ્ધ ‘ઇન હાઉસ ઇન્કવાયરી’ શરુ કરવામાં આવશે. જોકે સુપ્રીમ કોર્ટના ટોચના સૂત્રોએ તેનો ઇન્કાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માની ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ જજોની કૉલેજિયમે જસ્ટિસ વર્માને પાછા અલ્લાહાબાદ હાઇકોર્ટ મોકલવાની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટના એક ઉચ્ચ અધિકારીએ ભલામણ અંગેની પુષ્ટી કરી છે.
મળેલ માહિતી અનુસાર, હોળીની રજા દરમિયાન દિલ્હીમાં જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. તે ઘરે નહોતા. પરિવારના સભ્યોએ પોલીસ અને ઇમરજન્સી સેવાઓને ફોન કરીને આગ વિશે જાણ કરી. જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘરમાં લાગેલી આગ ઓલવવા ગઈ ત્યારે તેમને મોટી રોકડ મળી આવી. આ મામલે રૅકોર્ડબુકમાં પણ મોટી માત્રામાં રોકડ મળ્યાની એન્ટ્રી કરાઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને રોકડ રકમ વિશે ખબર પડી ત્યારે પાંચ સભ્યોના કોલેજિયમે તેમની ટ્રાન્સફર કરી દીધી. તો બીજી બાજુ હાઈકોર્ટ બાર એસોસિએશને જસ્ટિસ વર્માને અલ્હાબાદ પાછા ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો છે. એસોસિએશને કહ્યું કે કોલેજિયમનો નિર્ણય એક ગંભીર પ્રશ્ન ઉઠાવે છે કે શું અમે કચરાપેટી છીએ.
સુપ્રીમ કોર્ટના ટોચના સૂત્રોએ કહ્યું કે, ટ્રાન્સફર કરવાની ભલામણ શરુઆતની કાર્યવાહી છે. લોકોનો ન્યાયપાલિકા પર વિશ્વાસ જાળવી રાખવા માટે આ પગલું ભરવું જરૂરી છે. બીજી તરફ ન્યાયાધીશ વર્મા દિલ્હી હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશોમાં ત્રીજા ક્રમે છે, આ જ કારણે તેઓ હાઇકોર્ટની કૉલોજિયમના સભ્ય છે. જો તેઓ ત્યાં યથાવત્ રહેશે તો કૉલેજિયમ કામકાજ પર અસર પડવાની સંભાવના છે, તેથી તેમની સામે ટ્રાન્સફરની કાર્યવાહી કરવી જરૂરી છે.
વર્માનો મામલો સામે આવ્યા બાદ સીજેઆઇ સંજીવ ખન્ના અને ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ અન્ય ન્યાયાધીશો સાથે ચર્ચા કરી છે. તમામે કૉલેજિયમ દ્વારા ઉઠાવાયેલા પગલાંને સમર્થન આપવાની વાત કહી છે. જો કે હાલ વર્મા વિરુદ્ધ પ્રાથમિક તપાસ શરુ કરી દેવાઈ છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવે, તેના પર વિચારણા થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રાન્સફર સંબંધિત દરખાસ્ત જાણી જોઈને અપલોડ કરવામાં આવી નથી.
કોલેજિયમના કેટલાક સભ્યોએ સૂચન કર્યું કે જસ્ટિસ વર્માને રાજીનામું આપવાનું કહેવામાં આવે. જો તેઓ ઇનકાર કરે છે, તો સંસદે તેમને દૂર કરવા માટે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રાન્સફરની ભલામણની સાથે, તેમની સામે તપાસ કરવા અને મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાની પણ વાત કરવામાં આવી છે.