ગુજરાત કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે ‘પાર્ટીના અડધા લોકો ભાજપ સાથે જોડાયેલા છે’
ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં પોતાના જ પક્ષનાં સિનિયર નેતાઓનો ઉધડો લીધો હતો. રાહુલ ગાંધીએ સ્થાનિકો સાથે મિટિંગ કરીને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આજે (8 માર્ચ) કોંગ્રેસના કાર્યકરોનો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો હાજર રહ્યા હતા. સંવાદ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના જ નેતાઓ પર આકરા પ્રકારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ પોતાના જ પક્ષ પર નિશાન સાધ્યું હતુ. તેમણે ગુજરાત કોંગ્રેસના ઘણા નેતાઓને ભાજપની બી-ટીમ પણ ગણાવ્યા હતા. એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કમી નથી, સિનિયર લેવલના નેતા છે. બબ્બર શેર છે, પરંતુ પાછળ ચેન બાંધેલી છે. દરેક વ્યક્તિએ લોકો માટે કામ કરવું પડશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત અટવાયું છે, તેને કોઈ રસ્તો દેખાતો નથી, ગુજરાત આગળ વધવા માંગે છે. હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું કહી રહ્યો છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવવામાં અસમર્થ છે અને હું શરમથી બોલતો નથી, હું ડરથી બોલતો નથી, હું તમારી સમક્ષ આ વાત મૂકવા માંગુ છું કે ભલે તે આપણા કાર્યકરો હોય, ભલે તે રાહુલ ગાંધી હોય, ભલે તે આપણા મહાસચિવ હોય, ભલે તે આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય, આપણે ગુજરાતને રસ્તો બતાવવામાં અસમર્થ છીએ.
સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્યો અને હોદ્દેદારોએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ પાર્ટી સંગઠનમાં મોટા ફેરફારનો સંકેત આપ્યો અને કહ્યું કે જો 10 થી 40 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવા પડે તો તેમને હાંકી કાઢવા જોઈએ. ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છો, તો જાવ બહારથી કામ કરો. ત્યાં તમને સ્થાન નહીં મળે, તે તમને બહાર ફેંકી દેશે. કોંગ્રેસ પાર્ટી લગ્નની સરઘસમાં રેસના ઘોડાને રાખે છે અને સરઘસના ઘોડાઓને રેસમાં દોડાવવા માટે બનાવવામાં આવે છે.
કોંગ્રેસમાં બે પ્રકારના લોકો
રાહુલ ગાંધીએ પોતાના જ પક્ષના નેતાઓનો ઉડધો લેતા કહ્યું કે, ઘણા મોટા નેતાઓ જે વિવિધ સ્તરે પ્રમુખ તરીકે બેઠેલા છે, પછી ભલે તે જિલ્લા પ્રમુખ હોય કે બ્લોક પ્રમુખ. ગુજરાતમાં બે પ્રકારના નેતાઓ છે. પહેલા એ કે જેઓ જનતા સાથે સીધા જોડાયેલા છે અને જેમના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે. અને બીજા એ કે જેઓ જનતાથી દૂર છે, તેઓ જાહેર મુદ્દાઓ વિશે કંઈ જાણતા નથી, તેઓ જનતા વચ્ચે જતા નથી અને તેમાંથી અડધા એવા છે જે ભાજપ માટે કામ કરે છે. જ્યાં સુધી આપણે આ બે લોકોને અલગ કરીશું નહીં, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ કરશે નહીં.
તેમણે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો, નેતાઓને કહ્યું કે ‘આપણા નેતાઓ ગુજરાતની પ્રજા વચ્ચે જાય, પ્રજાને સાંભળો. આ બધું સરળતાથી થઈ શકે છે. વિપક્ષ માટે ગુજરાતમાં 40 ટકા વોટ પર્સન્ટ છે. જો આપણો વોટ પર્સન્ટ માત્ર 5 ટકા વધી જાય તો અહી સરકાર બની શકે છે. હું ગુજરાતને સમજવા માંગું છું, હું ગુજરાતની જનતા સાથે સંબંધ બનાવવા માંગુ છું.