રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા, પ્રવેશ વર્મા સહિત 6 મંત્રીઓએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા, સાંજે 7 વાગ્યે યોજાશે કેબિનેટ બેઠક

rekhaGuptaCM

ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બની ગયા છે. શાલિમાર બેઠક પરથી પહેલીવાર ધારાસભ્ય બનેલાં રેખા ગુપ્તાએ ગુરુવારે બપોરે 12:30 વાગ્યે દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ લીધા હતા. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. તેઓ રાજ્યના 9મા મુખ્યમંત્રી અને દિલ્હીનાં ચોથા મહિલા મુખ્યમંત્રી છે. અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવીન્દ્ર ઇન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.

https://twitter.com/ANI/status/1892521542388486174#

રામલીલા મેદાનમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત 21 ભાજપશાસિત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. જો કે આમ આદમી પાર્ટીનાં નેતા અરવિંદ કેજરીવાલ તેમજ આતિશી હાજર રહ્યા ન હતાં.

રેખા ગુપ્તાએ શપથ ગ્રહણ કર્યાનાં ત્રણ કલાક બાદ બપોરે 3:30 વાગ્યે ચાર્જ સંભાળ્યો. સચિવાલયમાં કાર્યભાર સંભાળ્યા બાદ કહ્યું કે આજે સાંજે 7 વાગ્યે કેબિનેટ બેઠક યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં નવા નિર્ણયો પણ લેવામાં આવી શકે છે. સાંજે 5 વાગે યમુના આરતી કરવામાં આવશે.

યમુનાના વાસુદેવ ઘાટ પર યમુના આરતી કરવામાં આવી રહી છે, જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી, તેમના કેબિનેટ મંત્રીઓ અને દિલ્હીના ભાજપના સાંસદો પણ હાજર છે.

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાનું પહેલું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિકસિત દિલ્હીના મિશનને પૂર્ણ કરવા માટે સતત કાર્ય કરવામાં આવશે. આમાં એક પણ દિવસ બગાડવામાં આવશે નહીં. દિલ્હીથી કરવામાં આવેલી દરેક પ્રતિબદ્ધતા પૂર્ણ કરવામાં આવશે.

https://twitter.com/ANI/status/1892525109237477828#

શપથ ગ્રહણ પહેલા મીડિયા સાથે વાત કરતા રેખા ગુપ્તાએ કહ્યું હતું કે, ‘આ એક મોટી જવાબદારી છે. મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ હું પીએમ મોદી અને પાર્ટી હાઇકમાન્ડનો આભાર માનું છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું દિલ્હીની મુખ્યમંત્રી બનીશ. હું શીશમહેલમાં નહીં રહું’.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન ‘શીશમહેલ’ને મ્યુઝિયમ બનાવવામાં આવશે. રેખા ગુપ્તાએ વડાપ્રધાન નરેન્દ્ર દ્વારા આપવામાં આવેલા તમામ વચનો પૂરા કરવાની ખાતરી પણ આપી હતી.

રેખા ગુપ્તા દિલ્હીનાં ચોથા મુખ્યમંત્રી બન્યા છે. આ પહેલાં સુષમા સ્વરાજ, શિલા દીક્ષિત અને આતિશી દિલ્હીનાં મુખ્યમંત્રી રહી ચુક્યા છે.