રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની તપાસના વીડિયો યુ-ટયુબ અને ટેલીગ્રામ ચેનલ ઉપર વાયરલ કરવાના કેસમાં તપાસનો દોર ધમધમાટ ચાલી રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદ સાયબર ક્રાઇમે 3 આરોપીઓની ધરપકડ કરી છે. જે મુજબ મહારાષ્ટ્રથી બે અને ઉત્તર પ્રદેશથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે. આ સિવાય અન્ય કેટલાક લોકોની પૂછપરછ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની પાયલ મેટરનીટી હોમ હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની સોનોગ્રાફી, બ્રેસ્ટ ચેક, ગાયનેક સારવાર, બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપ સહિતની સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.
અમદાવાદ સાયબર બ્રાન્ચ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડતાં તપાસના તાર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. આ કેસમાં મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી આ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમના નામ પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્વલ તેલી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે વધુ એક આરોપીની ધરપકડ ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 7 લોકોની પૂછપરછ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે.
તપાસ દરમ્યાન આ કરતૂત સાયબર માફિયાઓની હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી કેમેરા હેક થયા છે તેવું પોલીસ સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આ બંને આરોપી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલના મારફતે મહિલા દર્દીઓના વીડિયો વેચતા હતા અને તેના બદલામાં મોટી રકમ વસૂલતા હતા. ટૂંક સમયમાં આ બંને આરોપીઓને મહારાષ્ટ્રથી ગુજરાત લાવવામાં આવશે. પોલીસ આ મામલે મોટા ખુલાસા કરી શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે, પ્રસૂતાઓના વીડિયો વાયરલ કરવાનો ગંદો ધંધો દેશવ્યાપી હોવાનું જણાઈ આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જ ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાંથી આ પ્રકારના કારસ્તાન કરતી ટોળકીઓ સક્રિય હોવાનું જણાઈ આવ્યું છે. જો કે, આ પ્રકારના વીડિયો મેળવવા માટે નિશ્ચિત શખ્સો સક્રિય હોવાની વિગતો મળતાં ત્રણ રાજ્યોમાં તપાસ હાથ ધરાઈ છે. ઊંડી તપાસના પગલે પ્રસૂતાઓ અને મહિલાઓના હોસ્પિટલમાં ખાનગી વીડિયો વાયરલ કરવાના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.
રાજકોટ હોસ્પિટલના CCTV બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી છે. ક્યાંય પણ આવો કેસ આવે તો તકેદારી રાખવા તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. દર્દીની ગોપનીયતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા સરકારી હોસ્પિટલો, CHC, PHC સેન્ટર માટે સૂચના અપાઇ છે. CCTVથી ગોપનિયતા ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઇ છે.