સાયબર ક્રાઈમની ટીમે તબીબ અને હોસ્પિટલના સ્ટાફ ઉપરાંત CCTV ઈન્સ્ટોલ કરનાર લોકોની આકરી પૂછપરછ શરૂ કરી
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી નજીક આવેલ પાયલ મેટરનિટી હોસ્પિટલમાં ચેક અપ માટે આવતી મહિલા દર્દીઓના વીડિયો વાઇરલ થવા મામલે ટેલિગ્રામ અને યુ-ટ્યુબ ચેનલ મેઘા MBBS વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધ્યો હતો. જે બાદ રાજકોટ અને અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી.
આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમની તપાસમાં આ ચેનલ અને ગ્રુપ અન્ય રાજ્યમાંથી ચાલતાં હોવાનું જાણવા મળતાં હાલ અન્ય રાજ્યમાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ આખું ઓપરેશન કઇ રીતે શરૂ થયું અને કઈ રીતે મહિલાઓના વીડિયો ત્યાં સુધી પહોંચ્યા એ દિશામાં અમદાવાદ સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે.
હોસ્પિટલમાં લગાવવામાં આવેલ CCTVનો ઍક્સેસ કઈ રીતે બહારના કોઈ વ્યક્તિ પાસે ગયો તે અંગે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમની ટીમે વાયરલ વીડિયો અંગે તબીબ અને હોસ્પિટલના સ્ટાફ ઉપરાંત CCTV ઈન્સ્ટોલ કરનાર લોકોની આકરી પૂછપરછ શરૂ કરી છે. જેમાં ડિસેમ્બર મહિનાના અલગ-અલગ વીડિયો જાન્યુઆરીમાં ટેલિગ્રામ અને યુ-ટ્યૂબ ચેનલ પર અપલોડ થયા હોવાનું બહાર આવ્યું છે. ટેલિગ્રામ ગ્રુપમાં 1,000 થી પણ વધુ CCTV વીડિયો અપલોડ કરવામાં તેમજ શેર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
કેમેરાનું એક્સેસ બે ડાયરેક્ટર અને એડમિન વિભાગના એક કર્મચારી પાસે હતું
આ મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા પ્રાથમિક તપાસમાં જ બહાર આવ્યા છે. જેમાં જે સ્થળના વીડિયો વાયરલ થયા ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અંગે તપાસ કરતા જ જાણવા મળ્યું કે, હોસ્પિટલના સીસીટીવી કેમેરાનું એક્સેસ હોસ્પિટલના બે ડાયરેક્ટર ડો. અમિત તેમજ ડો. દેસાઈ અને એડમીન વિભાગના મિલન નામના કર્મચારી પાસે હોય આ મામલે ત્રણેયની સાયબર ક્રાઈમે વિશેષ પુછપરછ શરૂ કરી આ વાયરલ થયેલા વીડિયોની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે.
હોસ્પિટલના ડિરેક્ટર પ્રતીક્ષા દેસાઈનું નિવેદન
સમગ્ર મામલે પાયલ હોસ્પિટલના ડિરેક્ટર પ્રતીક્ષા દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં ડોક્ટર પ્રતીક્ષા દેસાઈએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, “દોઢથી બે મહિના પૂર્વે હોસ્પિટલના CCTV કેમેરામાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી. જે બાદ ટેકનિશિયનને બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાસવર્ડ રીસેટ કરવામાં આવ્યો હતો. આ સમયે અમારા કેમેરાનો કંટ્રોલ હેક થયો હોવાની અમને શંકા છે.

CCTVના પાસવર્ડ ત્રણ ડિરેક્ટરો પાસે જ હોય છે
CCTVના પાસવર્ડ ત્રણ ડિરેક્ટરો પાસે જ હોય છે. સોમવારે જે ઘટના સામે આવી છે ત્યારબાદ બીજું કંઈ રેકોર્ડ ન થાય તે માટે એડમીન સ્ટાફ દ્વારા કેમેરો દૂર કરી દેવામાં આવ્યો છે. જો હોસ્પિટલના પણ કોઈ વ્યક્તિની સંડોવણી હશે તો અમે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું. છેલ્લા છ વર્ષથી અમારી હોસ્પિટલ રૈયા ચોકડી પાસે કાર્યરત છે. ઓબ્ઝર્વેશન રૂમમાં જે કેમેરો લગાડવામાં આવ્યો છે તેનું ફૂટેજ કોઈપણ જગ્યાએ ડિસ્પ્લે થતું નથી.”
મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન
ઘટનાનાં વિરોધમાં રાજકોટ પાયલ મેટરનિટી હોસ્પિટલ ખાતે આજે રાજકોટ શહેરના મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે વિરોધ સમયે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ તેમજ પોલીસ વચ્ચે તું તું મેં મેં પણ જોવા મળી હતી. આ પછી હોસ્પિટલના જવાબદાર તબીબ દ્વારા કોંગ્રેસના આગેવાનોની રજૂઆત સાંભળી અને દુઃખદ ઘટના સીસીટીવી કેમેરા કંટ્રોલ હેક થવાના કારણે થયા હોવાનું જણાવ્યું હતું.

વીડિયો લીક કેવી રીતે થયા? તે એક ગંભીર પ્રશ્ન
જો કે, વીડિયો લીક કેવી રીતે થયા? તે એક ગંભીર પ્રશ્ન છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ વીડિયો લીક કરવામાં આવ્યા છે કે કેમ? તેને લઈને સાઈબર ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. બીજો એક ગંભીર સવાલ એ પણ છે કે, હોસ્પિટલના લેબર રૂમમાં સીસીટીવી શા માટે લગાવવામાં આવ્યા હતા? આ બાબતે ડોક્ટર સંજય દેસાઈ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યુ હતુ કે, હોસ્પિટલમાં લગાવવામાં આવેલો કેમેરો કોઈ તત્વો દ્વારા હેક કરવામાં આવ્યો છે.
જે 30 વીડિયો હતા એ અલગ અલગ જગ્યાના પણ હતા
ટેલિગ્રામમાં જે 30 વીડિયો હતા એ અલગ અલગ જગ્યાના પણ હતા, જોકે પાયલ હોસ્પિટલના વીડિયો અપલોડ કરવા માટે ખાસ એક યુટ્યૂબ ચેનલ બનાવાઈ હતી. આ ઘટનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી અને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદ થયાના ગણતરીની કલાકોમાં યુટ્યૂબ અને ટેલિગ્રામની ચેનલ દૂર કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પાયલ મેટરનિટી હોસ્પિટલના તપાસ વિભાગમાં મહિલા દર્દીઓનું ચેકઅપ થતું હોય, તેવા સ્થળે CCTV લગાવાયો હતો. તેના મારફત ચેકઅપના વીડિયો લઈ તેને સોશિયલ મીડિયાની સાઈટ પર વેચાણ અર્થે મુકવામાં આવ્યા હતાં.