- ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજના જીવન પર આધારિત
- 72 કલાકમાં વિક્કી કૌશલની અગાઉની 10 ફિલ્મોના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા
વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ ‘છાવા’ને રિલીઝ થયાને 3 દિવસ થઇ ચૂક્યા છે. ફિલ્મ ગત શુક્રવારે સિનેમા ઘરોમાં રિલીઝ થવાની સાથે જ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી (Chhava film box collection) દીધી છે. આટલા ઓછા સમયગાળામાં ફિલ્મે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. છાવા 2025 ની સૌથી મોટી ઓપનીંગ મેળવનાર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ વિકી કૌશલના કરિયરની હિટ ફિલ્મ પણ બનાવ જઈ રહી છે.
રિલીઝનાં પહેલા ત્રણ દિવસમાં જ ફિલ્મે બમ્પર કમાણી કરીને 100 કરોડના આંકડાને પાર કરી દીધો છે. એક અહેવાલમાં આપવામાં આવેલા આંકડા મુજબ, ‘છાવા’ એ રિલીઝનાં પહેલા દિવસે 33.1 કરોડ, બીજા દિવસે 39.30 કરોડ અને ત્રીજા દિવસે 49.03 કરોડની કમાણી કરતા કુલ બોક્સ ઓફીસ કલેક્શન 121.43 કરોડ થઇ ગયું છે. આ સાથે જ છાવા એ વિકી કૌશલની પહેલાંની કુલ 11 ફિલ્મોમાંથી 10 ફિલ્મોનો બોક્સ ઓફિસ રેકોર્ડ માત્ર ૩ દિવસમાં જ તોડી નાખ્યો છે.
‘છાવા’ અક્ષય કુમારની સ્કાય ફોર્સ કરતા આગળ નીકળી ગઈ છે. સ્કાય ફોર્સે 8 દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. જ્યારે છાવા માત્ર ત્રણ દિવસમાં જ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઈ છે.
ફિલ્મ ઉરી- ધ સર્જીકલ સ્ટ્રાઈકનું લાઈફટાઈમ કલેક્શન 245.36 કરોડ છે. ફિલ્મ ઉરીને બાદ કરતા વિક્કી કૌશલની અન્ય 10 ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શનને છાવાએ માત્ર ત્રણ દિવસમાં પાર કર્યુ છે. આ સાથે છાવા વિક્કીની સૌથી વધુ ઓપનીંગ કલેક્શન કરનારી ફિલ્મની સાથે સૌથી વધુ વિકેન્ડ ઓપનીંગ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ ‘રાઝી’ એ 123.84 કરોડ રૂપિયાનું લાઈફટાઈમ કલેક્શન કર્યું હતું.
ફિલ્મ છાવાને સ્ત્રી-2 ફિલ્મ બનાવનાર પ્રોડક્શન હાઉસ મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. ‘છાવા’ 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ હિસ્ટોરીકલ ડ્રામા ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે. આ ફિલ્મમાં વિક્કી સાથે રશ્મિકા મંદાના, આશુતોષ રાણા અને વિનીત કુમાર સિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એક રીપોર્ટ અનુસાર, ફિલ્મ છાવાને બનાવવામાં 130 કરોડનો ખર્ચ થયો હતો. જે ફિલ્મે પહેલા અઠવાડિયામાં વસુલ કરી લીધો છે.