પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન આજે મૌની અમાવસ્યા હોવાથી સંગમ કિનારે અમૃત સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચ્યા હતા. જ્યાં મંગળવારની રાત્રે ભીડ બેકાબુ બનતા ભારે નાસભાગ મચી ગઈ હતી.
પ્રયાગરાજ મહાકુંભમાં આજે મોડી રાત્રે નાસભાગ મચી હતી. આજે મૌની અમાવસ્યા હોવાથી મહાકુંભમાં અમૃત સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચ્યા હતા. પ્રયાગરાજના સંગમ ઘાટ પર મંગળવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. જો કે, મૃતકોની સંખ્યા વધુ કહેવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મૌની અમાવસ્યાના પર્વ પર અમૃત સ્નાન માટે દરેક લોકો સંગમ કિનારે જ ડૂબકી લગાવવા ઈચ્છતા હતાં. પરંતુ સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો. લોકો અમૃત સ્નાનના ચક્કરમાં એકઠા થયા હતા. લોકોની ભીડ વધવા લાગી. મંગળવારે રાત્રે લગભગ 1:00 વાગ્યાથી, લોકો જે માર્ગ પરથી સ્નાન કરવા જઈ રહ્યા હતા તે માર્ગમાં ક્ષમતા કરતાં વધુ લોકોની ભીડ થઈ હતી. સ્નાન કરવા માટે જવા-આવવાનો એક જ રસ્તો હોવાથી ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. નાસભાગ થતા કેટલાક લોકો નીચે પડી જતા ભીડે તેમને કચડીને આગળ વધવા લાગી. જેમાં કેટલાક લોકોનાં મૃત્યું થયા તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

દુર્ઘટના બાદ 70થી વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી હતી. ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ NSG કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો. તંત્ર રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયું હતું.

સીએમ યોગી આદિત્યનાથે લોકોને સંયમ જાળવવા અપીલ કરી
સીએમ યોગી આદિત્યનાથે લોકોને સંયમ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે ભક્તોએ ફક્ત સંગમમાં સ્નાન કરવાનું વિચારવું જોઈએ નહીં. ગંગા દરેક જગ્યાએ પવિત્ર છે, તેમણે જ્યાં પણ હોય ત્યાં ગંગા કિનારે સ્નાન કરવું જોઈએ.
પીએમ મોદી તેમજ ગૃહ મંત્રી અમિત શાહે સીએમ યોગી સાથે વાતચીત કરી
મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ દૂર્ઘટનાની જાણકારી મેળવવા માટે પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી છે. તેમને ઘટનાની જાણકારી મેળવી અને લોકોને તાત્કાલિક સહાયતા આપવાના આદેશ કર્યા છે. ગૃહ મંત્રી અમિત શાહે પણ સીએમ યોગી સાથે વાતચીત કરી છે.
દિલ્હીમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું- આજની ચૂંટણી સભાને સંબોધતા પહેલા, હું અહીં ઉલ્લેખ કરવા માંગુ છું કે મહાકુંભમાં થયેલી દુ:ખદ દુર્ઘટનામાં આપણે કેટલાક લોકો ગુમાવ્યા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
હું પ્રભાવિત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. હું ઉત્તર પ્રદેશ સરકાર સાથે સતત સંપર્કમાં છું. આજે કરોડો ભક્તો ત્યાં પહોંચ્યા છે, સ્નાન પ્રક્રિયા થોડા સમય માટે વિક્ષેપિત થઈ હતી, પરંતુ હવે ઘણા કલાકોથી લોકો સરળતાથી સ્નાન કરી રહ્યા છે
બીજી તરફ, વિપક્ષી પાર્ટીએ યુપી સરકાર પર નિશાનો સાધ્યો. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને સંજય રાઉત સહિત તમામ વિપક્ષી પાર્ટી નેતાઓએ આરોપ લગાવ્યો કે VIP કલ્ચર અને સરકારના ગેરવહીવટને કારણે ભાગદોડ થઈ છે.