કોલકાતાના આરજી કર બળાત્કાર કેસમાં સંજય રોયને આજીવન કેદની સજા, 50 હજારનો દંડ પણ ફટકારાયો

sanjayRoy

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર પર બળાત્કાર અને તેની હત્યા કરવાનાં કેસમાં મુખ્ય આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર પર બળાત્કાર અને તેની હત્યા કરવાનાં કેસમાં આજે મોટો ચુકાદો આવ્યો છે. ન્યાયાધીશે આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ તેના પર 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 32 વર્ષીય તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. કોલકાતા પોલીસ પાસેથી કેસ સંભાળનાર સીબીઆઈએ સંજય રોય માટે મૃત્યુદંડની માંગણી કરી હતી. પરંતુ ન્યાયાધીશ અનિર્બાન દાસે ચુકાદો આપતા કહ્યું કે આ રેયરેસ્ટ ઓફ રેયર કેસ નથી. જેથી તેમણે આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી છે.

આરોપી સંજય રોયને આજીવન કેદની સજા સંભળાવ્યા બાદ કોર્ટે પીડિતાના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે. આ અંગે પીડિતાના માતા-પિતાએ કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારનું વળતર ઇચ્છતા નથી.

સોમવારે સજા સંભળાવતા પહેલા ન્યાયાધીશે સંજય રોયને કહ્યું, “મેં તમને પહેલાથી જ કહ્યું હતું કે તમારા પર બળાત્કાર અને હત્યા જેવા બધા આરોપો સાબિત થઈ ગયા છે. હવે હું સજા અંગે તમારો અભિપ્રાય જાણવા માંગુ છું.’

જેના જવાબમાં આરોપી રોય પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. સંજય રોયે કોર્ટમાં કહ્યું, ‘મને કોઈ કારણ વગર ફસાવવામાં આવી રહ્યો છે. મેં તમને પહેલા કહ્યું હતું કે હું હંમેશા રુદ્રાક્ષની સાંકળ પહેરું છું. જો મેં ગુનો કર્યો હોત, તો તે ગુનાના સ્થળે જ તૂટી ગયો હોત. મને બોલવાની તક આપવામાં આવી ન હતી. તે લોકોએ મને કાગળો પર સહી કરવા દબાણ કર્યું. મને બોલવાનો મોકો મળ્યો નહીં. તમે પણ આ બધું જોયું છે સાહેબ. મેં તમને પહેલા પણ કહ્યું હતું.’

ન્યાયાધીશ અનિર્બાન દાસે કહ્યું, ‘મારે મારી સમક્ષ રજૂ કરાયેલા પુરાવાના આધારે નિર્ણય લેવો પડશે. મેં તમારી વાત 3 કલાક સાંભળી. તમારા વકીલે તમારો કેસ રજૂ કર્યો. આરોપો સાબિત થયા છે.

એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ દાસે શનિવારે રોયને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 64, 66 અને 103 (1) હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કાર્યવાહી દરમિયાન, સીબીઆઈના વકીલે દોષિતને સૌથી કડક સજા આપવાની વિનંતી કરી. એજન્સીના વકીલે કોર્ટને કહ્યું, “સમાજમાં લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે અમે સૌથી કડક સજાની વિનંતી કરીએ છીએ.”