અમદાવાદ મેટ્રોની ટિકિટ હવે ઑનલાઈન પણ બુક કરાવી શકાશે, GMRCએ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી

metro-ticket-appllication

હવે મેટ્રોની ટિકિટ માટે રાહ નહીં જોવી પડે, કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ(GMRC) દ્વારા ટિકિટ માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરવા વાળા મુસાફરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવેથી શહેરીજનોને મેટ્રોની ટિકિટ માટેની લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે. કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આજે મોબાઈલ ટિકિટિંગ એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે. હવે મેટ્રોની ટિકિટ માટે મુસાફરોએ રાહ નહીં જોવી પડે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ(GMRC) દ્વારા વધુમાં વધુ મુસાફરો મેટ્રો ટ્રેનની સુવિધાનો લાભ મેળવી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેટ્રો રેલવે સ્ટેશન પર મુસાફરોએ ટિકિટ લેવામાં ભીડનો સામનો ન કરવો પડે તે માટે હવે GMRC દ્વારા મોબાઈલ ટિકિટિંગ એપ્લિકેશન Ahmedabad Metro સત્તાવાર રીતે લૉન્ચ કરી દીધી છે. જેની મદદથી મુસાફરો હવે ઘર બેઠા ટિકિટ બુક કરી શકશે. એપ્લિકેશન દ્વારા બુક કરવામાં આવેલી ટિકિટ માટેની ચૂકવણી મુસાફર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ તેમજ UPI થકી કરી શકશે. ત્યારબાદ જનરેટ થયેલી ટિકિટના આધારે જે તે રેલવે સ્ટેશન પર સ્કેન કરી આસાનીથી પ્રવેશ કરી શકશે.

આપને જણાવી દઈએ કે હાલ આ એપ્લિકેશન એન્ડ્રોઈડ યુઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટોર પર હાલ ઉપલબ્ધ છે. આગામી 23 ડિસેમ્બરથી આ એપ્લિકેશન iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્થ થશે.

અત્યાર સુધી મુસાફરો મેટ્રો સ્ટેશને પહોંચીને પોતાને જે જગ્યાએ જવું હોય, ત્યાંની ટિકિટ લેતા હતા. જેના પરિણામે ઘણી વખત ઑફિસ સમયમાં ટિકિટ લઈને વ્યક્તિ પ્લેટફોર્મ સુધી પહોંચે, ત્યાં સુધીમાં મેટ્રો સ્ટેશન છોડી દેતી હતી. જો કે Ahmedabad Metro એપ્લિકેશન લોન્ચ થતાં હવે આ ઝંઝટમાંથી છૂટકારો મળી જશે.

જેના માટે સૌ પ્રથમ તમારે મેટ્રો રેલની ઑફિશિયલ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. જેને ઑપન કરતાં Book Ticket નો ઑપ્શન જોવા મળશે. જેમાં ક્લિક કરતાં ક્યા સ્ટેશનથી ક્યા સ્ટેશન સુધીની ટિકિટ જોઈએ છે, તે સિલેક્ટ કરવાનું રહેશે. જે બાદ કન્ફર્મ ટિકિટ પર ક્લિક કરવાથી ભાડું દર્શાવવામાં આવશે.

હવે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે UPI થકી ઑનલાઈન પેમેન્ટ કરશો, તે સાથે જ તમારી ટિકિટ જનરેટ થઈ જશે. આ રીતે મળેલી ટિકિટ મેટ્રો સ્ટેશન પર જઈને સ્કેન કરવાની રહેશે. જે બાદ જ તમને પ્રવેશ મળશે. અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે, આવી ઑનલાઈન ટિકિટ બે કલાક સુધી માન્ય રહેશે