100 કરોડ રૂપિયાનું કચરા કૌભાંડ: પાછલા ચાર વર્ષથી AMCમાં કચરા કૌભાંડ ચાલી રહ્યાનો કોંગ્રેસનો આરોપ

અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઈડ અંગે કોંગ્રેસે મોટો ખુલાસો કર્યો છે. શહેરમાં પાછલા ચાર વર્ષથી કચરા કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આરોપ AMC કોંગ્રેસ વિપક્ષના નેતા શહેજાદ પઠાણે લગાવ્યો છે. 100 કરોડના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 100 કરોડની ચૂકવણી છતાં કચરાના ઢગલાઓની સ્થિતિ યથાવત્ છે. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ કચરાનો નિકાલ થઈ શક્યો નથી. શહેજાદ પઠાણે અમદાવાદ મ્યુનિસિપલના અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઈટને સંપૂર્ણ રીતે સાફ કરવાની વાત થઈ હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગલા સાફ ન થતા સરકારની તિજોરીમાં સરકારી વેરાના 100 કરોડ રૂપિયાનું બિલ બની ગયું છે.
ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન તેમણે હાટકેશ્વર બ્રિજ અને ખારી નદીના કૌભાંડ અંગે પણ વાત કરી હતી. શહેજાદ પઠાણે કહ્યું કે સૌથી શરમજનક બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમદાવાદ મ્યુનિસિપલમાં કચરાના નામે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. AMCએ કોન્ટ્રાક્ટરોને એક વર્ષમાં 25 કરોડ રૂપિયા આપ્યા હોવા છતાં બહુ ઓછું કામ થયું છે. છેલ્લા ચાર વર્ષમાં 100 કરોડ રૂપિયા ચૂકવવા છતાં જેસીને વૈસી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આમ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને સામાન્ય લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી. બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વારા ખિસ્સા ભરવામાં AMC આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. પીરાણા ડમ્પિંગ સાઇડના મુદ્દા પર સત્તામાં બિરાજમાન બીજેપીની સાથે-સાથે AMCની કામગીરી ઉપર પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. કેમ કે આ ભ્રષ્ટાચારથી જનતાના પૈસાનું વેડફાડ થવાની સાથે-સાથે તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે.