અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી રાહત, વચગાળાના જામીન મળ્યા, ધરપકડ બાદ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

alluArjunBail

અલ્લુ અર્જુન કોર્ટમાં સુનાવણી: પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની શુક્રવારે હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. સુનાવણી બાદ નામપલ્લી ક્રિમિનલ કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસના રિમાન્ડ પર મોકલ્યો હતો, પરંતુ અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી રાહત મળી છે.

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અલ્લુ અર્જુનની શુક્રવારે હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. આ પછી અલ્લુ અર્જુનને નામપલ્લી ક્રિમિનલ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનાવણી બાદ કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો હતો. જોકે અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. હાઈકોર્ટે પુષ્પા 2 સ્ટારને વચગાળાના જામીન મંજૂર કર્યા છે.

કોર્ટે ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા

હાઈકોર્ટે અલ્લુ અર્જુનના ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ઉપરાંત, એક્ટરને રૂ. 50,000ના બોન્ડ ભરવાનો નિર્દેશ કર્યો છે. તેલંગાણા હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપીને તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને તેના જીવન અને સ્વતંત્રતાના અધિકારની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તેને આ મૂળભૂત અધિકારોથી વંચિત કરી શકાય નહીં. હાઈકોર્ટે મૃતક મહિલાના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, પરંતુ સવાલ ઊઠાવ્યો કે શું આરોપી પર બધો દોષ ઢોળી શકાય છે?

આ પણ વાંચો:

સુનાવણીમાં અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો હતો કે અભિનેતાની ધરપકડ માત્ર સનસનાટી ફેલાવવા માટે કરવામાં આવી. હકીકતમાં એની જરૂર નથી. સુનાવણીમાં જ્જે પૂછ્યું કે શું એક્ટર વિરુદ્ધ BNSની કલમ 105(B) અને 108 હેઠળ કેસ નોંધી શકાય છે. શું તે ઘટના માટે જવાબદાર છે? તેના પર સરકારી વકીલે કહ્યું કે અલ્લુ અર્જુન ચોક્કસ એક્ટર છે, પરંતુ હવે તે આરોપી છે. તેની હાજરીને કારણે જ થિયેટરમાં ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. જોકે, જ્જ દ્ધારા વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

અલ્લુ અર્જુનના વકીલે એક્ટરના બચાવમાં કહ્યું, અલ્લુ અર્જુનની આજે ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ પર મોકલ્યો. હું વચગાળાના જામીનની માગ કરી રહ્યો છું. અગાઉના કેસોમાં પણ ધરપકડ બાદ હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા. વકીલે કહ્યું, પોલીસના નિર્દેશોમાં એવું કંઈ નહોતું કે એક્ટરના આગમનથી કોઈનું પણ મૃત્યુ થઈ શકે. એ સામાન્ય છે કે કલાકારો તેમની ફિલ્મોના પ્રથમ શોમાં હાજરી આપે છે.

વકીલે શાહરુખ ખાન વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કેસ ટાંક્યા. શાહરુખની ફિલ્મ ‘રઈસ’ના પ્રમોશન દરમિયાન નાસભાગને કારણે મૃત્યુ થયું ત્યારે તેની સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. અદાલતોએ શોધી કાઢ્યું છે કે આવા કેસોમાં આરોપો ત્યારે જ ટકી રહે છે જો મૃત્યુનો સીધો સંબંધ એક્ટરની બેદરકારી અને ખોટી ક્રિયાઓ સાથે હોય.

અલ્લુ અર્જુનને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુને 11 ડિસેમ્બરે હાઇકોર્ટમાં પોતાના વિરુદ્ધ થયેલા કેસને રદ કરવા માટે અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરીને તેલંગાણા હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. નામપલ્લી ક્રિમિનલ કોર્ટમાંથી રિમાન્ડ બાદ અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળી ગયા છે.