અલ્લુ અર્જુનની ધરપકડ, 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

alluArjunArrested

ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા એટલે કે 4 ડિસેમ્બરે પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પૂછપરછ બાદ હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. તેલંગાણાની સ્થાનિક અદાલત દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. વાસ્તવમાં, ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચાહકો અભિનેતાની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઈ ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

તેલુગુ એક્ટર અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે તેની લેટેસ્ટ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરી છે. પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની પૂછપરછ બાદ હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે પોલીસ તેના ઘરે પહોંચી ગઈ છે અને ત્યારબાદ અભિનેતાને કારમાં પોલીસ સ્ટેશન લઈ જતો જોવા મળ્યો હતો. હવે પોલીસે પોતે પુષ્ટિ કરી છે કે આ કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં સંધ્યા થિયેટરના માલિક અને મેનેજરની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુને આ મામલામાં તેની સામેના કેસને રદ કરવા માટે તેલંગાણા હાઈકોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી આજે થશે.

ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા એટલે કે 4 ડિસેમ્બરે પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્લુ અર્જુન તેના પરિવાર સાથે હૈદરાબાદના વ્યસ્ત આરટીસી ક્રોસ રોડ પર સ્થિત સંધ્યા થિયેટરમાં પુષ્પા 2ના પ્રીમિયરમાં પહોંચ્યો હતો. તેને જોવા માટે ત્યાં મોટી ભીડ એકઠી થઈ હતી. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઈ ગયા હતા. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં 35 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું અને તેના 9 વર્ષના પુત્રને ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનની એક ટીમ હૈદરાબાદના જુબિલી હિલ્સમાં અલ્લુ અર્જુનના ઘરે પહોંચી અને તેની ધરપકડ કરી. પોલીસે કહ્યું કે તેને પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે અલ્લુ અર્જુનની ધરપકડ દરમિયાન કેટલાક સમયથી ચર્ચા ચાલી હતી. ધરપકડ સમયે અલ્લુ અર્જુન બેડરૂમમાં હાજર હતો, લિફ્ટમાંથી નીચે આવ્યા બાદ પોલીસે તેને કપડાં બદલવાની મંજૂરી આપી હતી. ધરપકડની માહિતી મળતા જ અલ્લુ અર્જુનના પિતા અરવિંદ ત્યાં પહોંચ્યા હતા.

અહેવાલો અનુસાર, અભિનેતા, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, આ પહેલા પણ અભિનેતાએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેણે વળતરની પણ જાહેરાત કરી હતી. એક્સ પર પોસ્ટ કરતા અલ્લુએ લખ્યું હતું કે, ‘અમારી સંવેદના પીડિતાના પરિવારના સભ્યો સાથે છે. હું તેમને ખાતરી આપવા માંગુ છું કે તેઓ આ દુ:ખના સમયમાં બિલકુલ એકલા નથી. અભિનેતાએ પરિવારને 25 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી.