NIA દ્વારા પાંચ રાજ્યોમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ કાર્યવાહી, ગુજરાતના સાણંદમાંથી મદરેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

NIA

ઓનલાઈન કટ્ટરપંથી જૂથ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની શંકા હોવાથી તે દિશામાં તપાસ ચાલી રહી છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. NIAએ આજે એટલે કે ગુરુવારે જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતમાં એમ પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આ સંબંધમાં તપાસ એજન્સીએ ગુજરાતના અમદાવાદમાંથી એક શકમંદની ધરપકડ કરી છે. તે ઓનલાઈન રેડિકલાઈઝેશન ગ્રુપનો સભ્ય હોવાનું બહાર આવ્યું છે.

NIAએ ગુજરાતની અમદાવાદ ગ્રામીણ પોલીસની મદદથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલને પકડી પાડ્યું છે. અમદાવાદને અડીને આવેલી સાણંદમાં મદ્રેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની NIAએ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદ સાથેના કનેકશનને લઈ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝડપાયેલી શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ વેપારી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઓપરેશન હાથ ધરાયું છે, એમાં અમદાવાદ જિલ્લા પોલીસને પણ સાથે રાખવામાં આવી હોવાની વિગતો હાલ સામે આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર NIA અને પોલીસની કાર્યવાહીમાં પકડાયેલ આદિલ નામનો વ્યક્તિ વિરમગામનો રહેવાસી છે. અને તે સાણંદ તાલુકાના ચેખલા ગામે મદરેસા અને મસ્જિદમાં છેલ્લા ત્રણ મહિનાથી નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. આદિલ પાસેથી દેશ વિરોધીના અનેક ડિજિટલ પુરાવા પણ મળ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ આદિલ એક ઓનલાઈન કટ્ટરપંથી જૂથ જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનનો સભ્ય હોવાની વિગત સેન્ટ્રલ એજન્સીને મળી હતી. જેના આધારે NIAએ અમદાવાદ જિલ્લા પોલીસની મદદ લઈને મોડીરાતે તેની અટકાયત કરી છે. આદિલ ઓનલાઈન પ્લેટફોર્મ મારફત દેશવિરોધી કૃત્ય કરતા આતંકી સંગઠન સાથે કનેક્ટ હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. આ અગાઉ પણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓએ અન્ય આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા શકમંદોની ધરપકડ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લાં ઘણાં વર્ષોથી આતંકી સંગઠનનાં મૂળ ક્યાંક ઓનલાઈન પ્લેટફોર્મ પર ડાઈવર્ટ થયાં છે, જેમાં ખાસ કરીને કેટલાંક ખાસ ગ્રુપ બનાવીને એમાં લોકોને અલગ અલગ મોડ્યૂલમાં વિચારધારા સાથે જોડીને ત્યાર બાદ તેમને આતંકી સંગઠનના વિચારમાં જોડી દેવામાં આવતા હોવાની અનેક બાબત સેન્ટ્રલ એજન્સીઓને મળી હતી. એ બાબતે અગાઉ પણ ઘણી વખત તપાસમાં ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાયેલા આતંકીઓની કડી એજન્સીને મળી છે.

નોંધનીય છે કે, NIAની રેડ જમ્મુ-કાશ્મીરના રિયાસી, બડગામ અને અનંતનાગ જિલ્લામાં કેન્દ્રીત રહી છે. આ સ્થળો પર સંભવિત શંકાસ્પદ વ્યક્તિઓ અને તેમના અડ્ડાઓ પર કાર્યવાહી કરવામાં આવી.