ચેન્નાઈ અને ઉત્તર તમિલનાડુમાં રેડ એલર્ટ જારી
રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRF ને પણ તૈનાત કરવામાં આવી
Cyclone Fengal: બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ફેંગલ આજે સાંજ સુધીમાંપુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ જિલ્લાની વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે. આ સમયે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. શનિવારે ચેન્નાઈ અને ઉત્તરી તમિલનાડુના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. વાવાઝોડાને પગલે તમિલનાડુ, પુડુચેરી અને તેની નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકશે વાવાઝોડું ફેંગલ
હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સ્થિત ફેંગલ વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ 7 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ દરમિયાન 70થી 90 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. ફેંગલ વાવાઝોડું પુડુચેરી નજીક કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચે ઉત્તરી તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠે ત્રાટકશે તેવી શક્યતા છે. 28 નવેમ્બરથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની અસર દેખાવા લાગી હતી.
શાળા-કોલેજોમાં રજા જાહેર કરી
ફેંગલ વાવાઝોડાને પગલે તમિલનાડુ સરકાર દ્વારા લોકોને ઘરની અંદર રહેવા સલાહ આપવામાં આવી છે. શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. લોકોને ઘરેથી જ કામ કરવા સૂચના અપાઈ છે. માછીમારોને દરિયો ખેડવા ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે.

વાવાઝોડાને પહોંચી વળવા શું છે તૈયારીઓ?
- ઈસ્ટર્ન નેવલ કમાન્ડે તેની ડિઝાસ્ટર રિસ્પોન્સ સિસ્ટમને એક્ટિવ કરી છે. વાહનોમાં ખોરાક, પીવાનું પાણી અને દવાઓ સહિતની આવશ્યક રાહત સામગ્રીઓ ભરવામાં આવી રહી છે. ફ્લડ રિસ્પોન્સ ટીમો પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
- તામિલનાડુએ કટોકટીનો સામનો કરવા માટે બે ટોલ ફ્રી નંબર 112 અને 1077 જાહેર કર્યા છે. આ ઉપરાંત એક વોટ્સએપ નંબર 9488981070 પણ જાહેર કરવામાં આવ્યો છે.
- રાજ્યએ લગભગ 2 હજાર રાહત શિબિરો તૈયાર કરી છે. તિરુવરુર અને નાગાપટ્ટિનમ જિલ્લામાં 6 રાહત કેન્દ્રોમાં 164 પરિવારોના કુલ 471 લોકોને આવાસ આપવામાં આવ્યા છે.
- તમિલનાડુ સરકારે કહ્યું કે હવામાન વિભાગની ચેતવણી બાદ લગભગ 4 હજાર બોટ દરિયામાંથી પરત ફરી છે.
- જિલ્લાઓમાં બોટ, જનરેટર, મોટર પંપ અને અન્ય તમામ જરૂરી મશીનરી અને સાધનો તૈયાર છે.
- ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.
- તેમજ બીચ નજીકના રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
- એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો જરૂરિયાત મુજબ તહેનાત કરવામાં આવી છે.
જનતા માટે ઈમરજન્સી નંબર જાહેર
નાગરિકો માટે ઈમરજન્સી નંબર 112 અને 1077 જાહેર કરવામાં આવ્યા છે અને સંકટ સમયે મદદ માટે વોટ્સએપ નંબર 9488981070 પણ જાહેર કરાયો છે. લોકોને તાજેતરની માહિતી મેળવતા રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ SDRF ને પણ તૈનાત કરવામાં આવી છે.
શનિવાર સવાર સુધીમાં, ચેન્નાઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો, જેનાથી ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશનના અધિકારીઓએ 134 થી વધુ સ્થળોએ પાણી ભરાઈ ગયાની જાણ કરી હતી, જેમાં ટીમો પાણીને બહાર કાઢવા માટે કામ કરી રહી હતી. વડાપલાની, ચુલાઈ અને કોરાત્તુર સહિતના મુખ્ય સ્થળોએ નોંધપાત્ર પૂરનો અનુભવ કર્યો. પાણી જમા થવાને કારણે ચેન્નાઈના છ વિસ્તારોમાં સબવે બંધ કરી દેવામાં આવ્યા હતા.

વાવાઝોડાની સૌથી વધુ અસર તમિલનાડુમાં થઈ રહી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે. નાગાપટ્ટિનમ જિલ્લામાં 800 એકરથી વધુ પાક સંપૂર્ણપણે નુકશાન થયો છે. આ સિવાય કામેશ્વરમ, વિરુન્ધમાવાડી, પુડુપલ્લી, વેદ્રપ્પુ, વનમાદેવી, વલ્લપલ્લમ, કાલ્લીમેડુ, ઈરાવાયલ અને ચેમ્બોડી જિલ્લા પણ વાવાઝોડાની ઝપેટમાં છે.
ચોમાસા પછીની સિઝનમાં ભારતને અસર કરતું આ બીજું વાવાઝોડું છે. અગાઉ ઓક્ટોબરના એન્ડમાં દાના વાવાઝોડું આવ્યું હતું.