આણંદ-તારાપુર હાઇવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત: 3નાં મોત, 15થી વધુ ઘાયલ

bus-truck-accident

ટ્રકની ઓવરટેક કરવા જતા લક્ઝરી બસ ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ, લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળી ગયો

આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર આજે સવારે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. જેમાં લક્ઝરી બસનું કચ્ચરઘાણ વળી ગયું હતું. આ અકસ્માતમાં 3 લોકોના મોત અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટથી સુરત તરફ જતી એક ખાનગી લક્ઝરી બસ (MP 45-ZF-7295) સવારના સમયે આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર વડદલા પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન આ લકઝરી બસના ચાલકે આગળ જતી ટ્રક (GJ-04-X- 6246)ને ઓવરટેક કરવા જતાં લકઝરી બસ આ ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં લકઝરી બસમાં સવાર 3 મુસાફરોના ગંભીર ઈજાઓ પહોંચવાથી સ્થળ પર જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, લક્ઝરી બસનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રક અને બસનો અકસ્માત થતાં લોકોની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા.

ત્રણેય મૃતદેહોને પી.એમ અર્થે ખસેડાયા

બનાવ અંગે સ્થાનિક પોલીસ અને 108ની ટીમને જાણ કરવામાં આવતા 108ની ટીમ ઉપરાંત હાઈવે પેટ્રોલિંગ અને પેટલાદ રૂરલ પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ ત્રણેય મૃતદેહોને પી.એમ અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

આ અકસ્માત અંગે ટ્રક ડ્રાઈવર ઘનશ્યામભાઈનું કહેવુ છે કે, હું મારી ટ્રક લઈને તારાપુર-ધર્મજ હાઈવે પર વડદલા પાટીયા નજીકથી પસાર થતો હતો. તે વખતે મારા ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબ મને કોઈ ઈજા થઇ નથી, પરંતુ ટ્રકને ઘણુ નુકસાન થયુ છે.

આ અંગે ઘનશ્યામભાઇ અમરસિંહ ઝાલા (રહે. ગાજણા, બોરડી સ્ટેન્ડ, તા.બોરસદ) ની ફરીયાદને આધારે પેટલાદ રૂરલ પોલીસે લકઝરી બસના ચાલક સોહીલ યાસીનભાઇ મલેક (રહે. પાંચ તલાવડા, તા.લીલીયા જી.અમરેલી) વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યકિતઓના નામ

  1. ધ્રુવ ભીમજીભાઇ રૂડાણી (ઉ.વ 32, રહે. યોગી દર્શન રેસીડન્સી,જી.એન.એફ.સી ઝાડેશ્વર રોડ, ભરૂચ)
  2. મનસુખભાઈ રૂડાભાઈ કોરાટ (ઉ.વ 67, રહે. પંચવટી પાર્ક, શેરી નંબર 1, જલારામ હોસ્પીટલ પાસે, પંચવટી મેન રોડ, રાજકોટ)
  3. કલ્પેશભાઇ વેલજીભાઇ જિયાણી (ઉ.વ 39, રહે. સ્વાતી પાર્ક 2, શીશુ વિહાર નિશાળની પાછળ, કોઠારીયા રોડ, રાજકોટ)