બે મહિના પહેલા પણ આ યુવક સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ થયો હતો
અમદાવાદમાં આજે સવારે એક યુવકે ચિક્કાર નશો કરી બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. કારચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટે લીધાં હતા. જ્યારે બેથી ત્રણ યુવતીઓને પણ ટક્કર મારી હતી. અકસ્માત સર્જી કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા રસ્તા પર હાજર લોકોએ કારની પાછળ દોડી તેને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ તેને ગાડીમાંથી ખેંચીને ઢોર માર માર્યો હતો. પોલીસે પકડ્યા બાદ પણ કારનો ચાલક લથડિયાં ખાતો જોવા મળ્યો હતો.
કારચાલકે 5 જેટલા વાહનોને ટક્કર મારી
અમદાવાદનાં બોપલ-આંબલી રોડ પર રિપલ પંચાલ નામનો યુવક પોતાની ઓડી કાર લઈને ઈસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો ત્યારે સૌ પ્રથમ તેને રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી. ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો અન્ય એક કાર સાથે અથડાયો હતો. તેનાથી આગળ ઓડી કારના ચાલકે ટાટા મોટર્સના શો રૂમ પાસે એક નેક્સન કારને ટક્કર મારી ડિવાઈડર સાથે ટકરાતા કાર ઊભી રહી ગઈ હતી.

અકસ્માતમાં ભોગ બનનારે જણાવ્યુ કે, કારચાલકે નશો કર્યો હતો
આ અકસ્માતમાં ભોગ બનનાર રોનિકા પાટિલે જણાવ્યું હતું કે, મારી ઓફિસ બોપલ-આંબલી રોડ પર હોવાથી હું સવારે અહીં આવી રહી હતી. ત્યારે આગળ જઈ રહેલા ઓડી કારના ચાલકે ટક્કર મારતા હું ડિવાઈડર પર પડી ગઈ હતી. જે બાદ મને ઢસડીને આગળ લઈ ગયા હતા. એ ભાઈ એટલા નશાની હાલતમાં હતા કે એમને કંઈ ખબર પડતી નહોતી. કાર ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત બાદ તેણે કારમાં અંદર બેસીને સિગારેટ પીધી હતી. જે બાદ ફરી કાર ચલાવી ટાટા મોટર્સ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી.
ચાલક અકસ્માત બાદ કારમાં સિગારેટ પીતો હતો
નોંધનીય છે કે, કારચાલક એટલી હદે નશામાં હોવાનું લાગી રહ્યું હતું કે તે કારનો અકસ્માત કરીને એક જગ્યાએ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ ફરી ભાનમાં આવ્યો ત્યારે ફરીથી સિગારેટ પીને તે આગળ કાર ચલાવવા લાગ્યો હતો. આ સમગ્ર વીડિયો પણ સામે આવ્યો છે. હાલ પોલીસે ડ્રાઈવરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં જ્યારે રિપલ પંચાલને સવાલ કરાયા ત્યારે પણ તે નશામાં હોય તેવું લાગી રહ્યું હતું.
કોણે અકસ્માત કર્યો છે? મે અકસ્માત નથી કર્યો.
મીડિયા દ્વારા જ્યારે આરોપીને પૂછવામાં આવ્યું કે તેણે શું પીધું છે? ત્યારે આરોપી પોતે નશો કર્યો હોવાનો ઇનકાર કરી રહ્યો હતો. બીજી બાજુ, અકસ્માત અંગે પૂછતાં તે કહી રહ્યો હતો કે, કોણે અકસ્માત કર્યો છે? મે અકસ્માત નથી કર્યો. મેં કોઇ વાહનને ટક્કર મારી નથી. મીડિયાએ પૂછ્યું કે તમારા કપડા કેમ ફાટેલા છે? તો આરોપીએ જણાવ્યું કે, ક્યા કપડા? ક્યાં ફાડ્યાં છે? આમ, તેના જવાબો પરથી લાગી રહ્યું કે તેને જાણે કોઇ વસ્તુનો ભાન નથી.

યુવકને પોલીસનો ડર હોય તેવું લાગતુ નહોતુ
રિપલ પંચાલ નામના આ નબીરાને જરા પણ પોલીસનો ડર હોય તેવું કંઇ જ જોવા મળ્યું નહોતું. મીડિયાએ તેને નશામાં હોવાની વાત પૂછતાં આરોપીએ કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, મારો વકીલ જવાબ આપશે. મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે અકસ્માતમાં કોઇ જાનહાની થઇ હોત તો? તેના જવાબમાં આરોપી કહે છે કે, કંઈ થયું? સાથે જ તે કહી રહ્યો હતો કે તેની પાસે દારૂ પીવાની પરમિશન છે.
બે મહિના પહેલા તેની સામે ડ્રીક એન્ડ ડ્રાઈવનો કેસ થયો હોવાનુ સામે આવ્યુ
અકસ્માત સર્જનાર કારના ચાલકનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે. જે થલતેજ વિસ્તારમાં રહે છે. તે સેન્કોપ્રાઇવેટ લિમિટેડ નામની વાલ્વ બનાવતી કંપની ચલાવે છે. બે મહિના પહેલા પણ અમદાવાદ શહેરમાં તેની સામે ડ્રીક એન્ડ ડ્રાઈવનો કેસ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. 16 સપ્ટેમ્બરના રોજ ઝાયડસ ચાર રસ્તા પાસે એક લાલ કલરની જીપ કમ્પાસ કારમાં સવાર રિપલને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.