ભારતે સ્વદેશી હાઇપરસોનિક મિસાઇલનું કર્યુ સફળ પરીક્ષણ, 1500 કિમીથી વધુની રેન્જ અને અવાજ કરતાં 5 ગણી વધુ ઝડપ

hypersonic-missile

ભારતે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન( DRDO)ની મદદથી એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. રવિવારે ઓડિશાના દરિયાકાંઠે લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રવિવારે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર આ મહત્વપૂર્ણ સિદ્ધિની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ સફળતાએ ભારતને પસંદગીના દેશોની યાદીમાં સામેલ કરી દીધું છે, જેની પાસે અત્યંત ઝડપી ગતિએ હુમલો કરવા અને એર ડિફેન્સ સિસ્ટમથી બચવા માટે સક્ષમ હથિયાર છે.

આ પરીક્ષણ ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યું હતું, જ્યાં DRDO અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ વૈજ્ઞાનિકો હાજર હતા. સંરક્ષણ મંત્રીએ આ સિદ્ધિ માટે સશસ્ત્ર દળો અને DRDO ને અભિનંદન પાઠવ્યા હતા.

સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે આ મિસાઈલ 
ભારતની હાઇપરસોનિક મિસાઇલ તેની વિશેષતામાં વિકસાવવામાં આવી છે. આ હાઈપરસોનિક મિસાઈલ 1,500 કિલોમીટરથી વધુની રેન્જમાં વિવિધ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે. આ મિસાઈલ સંપૂર્ણપણે સ્વદેશી છે અને તેને ડૉ. એપીજે અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પ્લેક્સ, હૈદરાબાદ અને અન્ય DRDO પ્રયોગશાળાઓ અને ઉદ્યોગ ભાગીદારો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. નિષ્ણાતો રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં હાઇપરસોનિક સિસ્ટમને ગેમ ચેન્જર્સ તરીકે પણ માને છે.

ભારતની સિદ્ધિ
ભારતની સિદ્ધિ આ મિસાઈલનું પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ચીનની વધતી સૈન્ય શક્તિ વચ્ચે ભારત પોતાની લડાયક ક્ષમતા વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત ડ્રોન, હાઇપરસોનિક મિસાઇલ અને AI-સક્ષમ ઉપકરણો જેવા આગામી પેઢીના શસ્ત્રો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. હાઈપરસોનિક મિસાઈલની ઝડપ વધુ હોવાને કારણે દુશ્મનો માટે તેને શોધીને રોકવી ઘણી મુશ્કેલ છે. આ સફળ પરીક્ષણથી દેશની વ્યૂહાત્મક ક્ષમતા અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત થઈ છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારના મિસાઈલ પરીક્ષણને દેશના પ્રથમ લાંબા અંતરની હાયપરસોનિક મિશનના ભાગરૂપે એક ‘તેજસ્વી’ સિદ્ધિ અને ‘ઐતિહાસિક ક્ષણ’ ગણાવી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે, ભારતે ઓડિશાના દરિયા કિનારે ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે અને આ મહત્વની સિદ્ધિએ આપણા દેશને એવા દેશોના પસંદગીના જૂથમાં સામેલ કર્યો છે કે જેઓ આટલી મહત્વપૂર્ણ અને આધુનિક સૈન્ય તકનીકો ધરાવે છે.

હાલમાં, રશિયા અને ચીન હાયપરસોનિક મિસાઇલો વિકસાવવામાં ધણા આગળ છે જ્યારે યુએસ તેના મહત્વાકાંક્ષી કાર્યક્રમ હેઠળ આવા શસ્ત્રોની શ્રેણી વિકસાવવાની પ્રક્રિયામાં છે. ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઈરાન અને ઇઝરાયેલ સહિત અન્ય ઘણા દેશો પણ હાઈપરસોનિક મિસાઈલ સિસ્ટમ વિકસાવવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

હાઇપરસોનિક મિસાઇલ કેવી હોય
સૌથી પહેલા સમજો કે હાઇપરસોનિક મિસાઇલ શું છે હાઇપરસોનિક એટલે અવાજ કરતાં 5 ગણો મોટો અને તેને મેક 5 પણ કહેવાય છે. જો સરળ ભાષામાં સમજીએ તો ઝડપ એક માઈલ પ્રતિ સેકન્ડ હોઈ શકે છે. હાયપરસોનિક મિસાઇલોને અત્યંત ગતિશીલ અને તેજ માનવામાં આવે છે કારણ કે તે મધ્યમાં માર્ગ બદલી શકે છે. HGV એટલે કે હાયપરસોનિક ગ્લાઇડ વ્હીકલ અને હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ બે પ્રકારના હાઈપરસોનિક હથિયારો છે. હવે રોકેટથી HGV લોન્ચ કરવામાં આવે છે. જ્યારે, HCM હાઇ સ્પીડ એન્જિન અથવા સ્ક્રેમજેટ્સ દ્વારા સંચાલિત છે.

હાયપરસોનિક મિસાઇલ વિશે એક ખાસ વાત એ છે કે પ્લેનની જેમ, તેઓ ગ્લાઇડ કરવા માટે પાંખો અથવા પૂંછડીની ફિન્સ જેવી એરોડાયનેમિક કંટ્રોલ સપાટી પર આધાર રાખે છે, અને અવકાશયાન જેવા થ્રસ્ટર્સ પર નહીં. નિયંત્રણ સપાટીઓને કાર્ય કરવા માટે હવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, પ્રવૃત્તિઓ કરવા માટે, હાઇપરસોનિક મિસાઇલ વાતાવરણમાં હોવી જરૂરી છે.

હાઇપરસોનિક મિસાઇલની સ્પીડ
સામાન્ય રીતે, પરંપરાગત શસ્ત્રો અથવા પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ હાયપરસોનિક મિસાઇલો દરિયાની સપાટી પર અવાજની ઝડપ કરતા પાંચ ગણી વધુ ઝડપે ઉડી શકે છે. જો કે, કેટલીક અદ્યતન હાઇપરસોનિક મિસાઇલો મેક 15 કરતા વધુ ઝડપે ઉડી શકે છે.

હાઇપરસોનિક મિસાઇલની ડિઝાઇન
હાઇપરસોનિક મિસાઇલ તૈયાર કરવામાં પડકાર હાઇપરસોનિક મિસાઇલ ડિઝાઇન કરવામાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આમાં સૌથી અગ્રણી હીટિંગ અને થર્મલ શિલ્ડિંગ, સ્ટેબિલિટી, કોમ્યુનિકેશન્સ અને ટાર્ગેટીંગ અને સ્ક્રેમજેટ ટેકનોલોજી છે. વાસ્તવમાં, હાઇપરસોનિક ગ્લાઇડ વાહનો જેવા પદાર્થોને વાતાવરણમાં ખૂબ જ વધુ ઝડપે આગળ વધવાને કારણે થર્મલ પડકારોનો સામનો કરવો પડે છે.