અમદાવાદના બોપલમાં બે-ત્રણ દિવસ પહેલા બાઈકચાલક અને કારચાલક વચ્ચે બોલાચાલી થતાં કાર ચાલકે MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનને છરીનાં ઘા મારી તેની હત્યા કરી દીધી હતી. ત્યારે હવે ઘટનાનાં 3 દિવસ બાદ હત્યા કરનાર કારચાલક ઝડપાઈ ગયો છે. તેનુ નામ વિરેન્દ્રસિંહ પઢેરિયા છે અને તે સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ હત્યા થઇ હતી જેની આસપાસ એક કિલોમીટરમાં કોઇપણ સીસીટીવી ન હતા. પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી માહિતીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું બ્લેક કારમાં આવેલી વ્યક્તિએ હત્યા કરી હતી. ત્યારબાદ વિરેન્દ્રસિંહ પઢેરિયા તેની કાર અવાવરૂ જગ્યાએ મૂકીને પંજાબ ભાગી ગયો હતો. પરંતુ પોલીસે એક પછી એક કડી જોડતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
કેમ્પસમાં કંપનીનો ઇન્ટરવ્યૂ હોવાથી સૂટ સિવડાવવા ગયા હતા
મૂળ ઉત્તરપ્રદેશના મેરઠનો રહેવાસી એવો 23 વર્ષીય પ્રિયાંશું જૈન અને તેનો મિત્ર પૃથ્વીરાજ મહાપાત્રા બન્ને જણા કોલેજના કેમ્પસમાં કંપનીનો ઇન્ટરવ્યૂ હોવાથી મિત્રનું બુલેટ લઈને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલા મારુતિ ટેલરમાં સૂટ સિવડાવવા માટે ગયા હતા. સૂટનું માપ આપીને વકીલ સાહેબ બ્રિજ પાસે નાસ્તો કરવા માટે ગયા હતા. નાસ્તો કરી લીધા બાદ બન્ને જણા કોલેજ જતા હતા. સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા ત્યારે પ્રિયાશુંને સ્વીટ લેવાની ઇચ્છા થઈ હતી. બન્ને જણાએ બુલેટ બેકરી પાસે ઊભું રાખ્યું હતું અને કેક લેવા માટે પહોંચી ગયા હતા. કેક લઈને બન્ને રૂમ પર બુલેટ લઈને જઈ રહ્યા હતા ત્યારે એક કારચાલક પૂરઝડપે તેમની પાસેથી પસાર થયો હતો. દરમિયાન પ્રિયાંશુએ કારચાલકને કહ્યું હતું કે ‘ઇતની જોર સે ક્યો ગાડી ચલા રહે હો’. આથી કારચાલકે બુલેટનો પીછો કર્યો હતો અને પ્રિયાંશુને કહ્યું કે ‘રૂક રૂક ક્યા બોલા તૂં’
રૂક અભી તુજે દિખાતા હૂં કહીને કાર પાસે ગયો હતો અને બે છરી લઈને આવ્યો હતો.
પૃથ્વીરાજે તેનું બુલેટ ઊભું રાખી દીધું હતું અને કારચાલકે પણ તેની ગાડી ઊભી રાખી દીધી હતી. કારચાલકે પૃથ્વીરાજને આવતાંની સાથે કહ્યું હતું કે ‘તુમ લોગ રોંગ સાઇડ મેં હો તો મૈં જોર સે નહીં ચલાઉંગા, કારચાલકની વાત સાંભળીને પ્રિયાંશુ અને પૃથ્વીરાજની બબાલ થઈ ગઈ હતી. કારચાલકે પ્રિયાંશુને ધક્કો મારી દીધો હતો અને બાદમાં બન્ને વચ્ચે મારામારી થઈ હતી. કારચાલકે પ્રિયાંશુને ધમકી આપી હતી કે રૂક અભી તુજે દિખાતા હૂં કહીને કાર પાસે ગયો હતો અને બે છરી લઈને આવ્યો હતો.
સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા ત્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો
ત્યાર બાદ તેણે પ્રિયાંશુ પર આડેધડ છરીનાં ઘા મારતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો, જ્યારે કારચાલક હુમલો કરીને નાસી ગયો હતો. ઘટનાની જાણ બોપલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બોપલ પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
પ્રિયાંશુનાં મિત્ર પૃથ્વીરાજે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી
અમદાવાદના છેવાડે આવેલા શેલા ગામની અશોકા હોસ્ટેલમાં રહેતા પૃથ્વીરાજ મહાપાત્રાએ બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. પૃથ્વીરાજ મૂળ ઓડિશાનો રહેવાસી છે અને અમદાવાદની MICAમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પ્રિયાંશુ જૈન પણ પૃથ્વીરાજ સાથે જ કોલેજમાં અભ્યાસ કરતો હતો.
સીસીટીવી ફૂટેજ મળ્યા ન હતા
પોલીસ દ્વારા આ મામલે અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હતી. અમદાવાદ જિલ્લા પોલીસ અને અલગ અલગ એજન્સીઓ સમગ્ર પ્રકરણમાં કામ કરી રહી હતી ત્યારે આ કેસમાં અનેક શંકા ઉપજાવનારા પ્રશ્નો હતા, કારણ કે છેક સુધી સીસીટીવી ફૂટેજ મળ્યા ન હતા, તેની સાથે આરોપી કઈ કાર લઈને આવ્યો હતો તે પણ ક્લિયર થતું ન હતું.
એક મહત્ત્વની કડી મળી આવતા આરોપી ઝડપાયો
તપાસ દરમ્યાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક મહત્ત્વની કડી મળી હતી, જેના આધારે પોલીસે એક વ્યક્તિની શોધ હાથ ધરી હતી. શંકાના આધારે કારનો પીછો કરી કરતા કારનું લોકેશન પંજાબ તરફ હોવાનું જાણવા મળ્યુ હતું. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને કારને રોકીને તપાસ કરતાં જાણવા મળ્યુ હતુ કે તે કાર સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એક પોલીસ કર્મચારી લઈને નીકળ્યો હતો.
હત્યા કર્યા બાદ પંજાબ ભાગી ગયો હતો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પંજાબથી વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે. વિરેન્દ્રસિંહ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં નોકરી કરતો હતો. હત્યા કર્યા બાદ તે પંજાબ ભાગી ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજે તેને ઝડપી લીધો છે, અને અમદાવાદ લઈને આવી રહ્યા છે. વિરેન્દ્રએ કયા સંજોગોમાં હત્યા કરી તે અમદાવાદ આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે. હાલ આ સમગ્ર મામલાના તાર શોધવા માટે અમદાવાદ ક્રાઈમ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
પ્રિયાંશુ MBA કરવા બે વર્ષ પહેલાં અમદાવાદ આવ્યો હતો
મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રિયાંશુ બે વર્ષ પહેલાં અમદાવાદમાં MBA કરવા માટે આવ્યો હતો. તાજેતરમાં જ દિવાળી પર પ્રિયાંશુ તહેવારની ઉજવણી કરવા મેરઠમાં તેના ઘરે આવ્યો હતો. 4 નવેમ્બરે ઉત્સવની ઉજવણી કરીને અમદાવાદ પરત ફર્યો. પ્રિયાંશુની હત્યાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પલ્લવપુરમ પોલીસ સ્ટેશન પણ પંકજ જૈનના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મુન્નેશ સિંહ અને ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પ્રિયાંશુ તેનાં માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો
પ્રિયાંશુના મામા રાજીવ જૈન મેરઠના થાપર નગરમાં રહે છે. રાજીવ જૈને કહ્યું હતું કે અમારા દીકરા સાથે આવું થયું હોવાની અમને જાણ થતાં જ અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ. અમે દીકરાને કંઈક બનવા માટે ત્યાં મોકલ્યો હતો. અમને શું ખબર કે આવો દુ:ખદ અકસ્માત થશે. રાજીવ જૈને જણાવ્યું કે પ્રિયાંશુ તેનાં માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. એક મોટી બહેન દીપિકા છે, જે પરિણીત છે. પ્રિયાંશુની મોટી બહેન દીપિકા ગુડગાંવમાં ખાનગી નોકરી કરે છે. પ્રિયાંશુના મામા રાજીવ જૈન હાલમાં સમગ્ર પરિવારની સંભાળ લઈ રહ્યા છે.
અમદાવાદ ગ્રામ્ય હેડ ક્વાર્ટરના એસપી મેઘા તેવરે જણાવ્યું કે…
અમદાવાદ ગ્રામ્ય હેડ ક્વાર્ટરના એસપી મેઘા તેવરે જણાવ્યું હતું કે સાઉથ બોપલની બેકરી પર બાઈકચાલક અને કારચાલક વચ્ચે બબાલ થઈ હતી. રાત્રે 10.30 વાગ્યા બાદ ઘટના બની હતી, બ્લેક કલરની લક્ઝુરિયસ કાર સાથે આવી ચાલક અને વિદ્યાર્થી વચ્ચે બબાલ થઈ હતી. છરીના એક ઘા વડે હત્યા કરાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલા કારચાલક સાથે બોલચાલી થઈ હતી. જે જગ્યા પર ચકમક થઈ ત્યાંથી 200 મીટર આગળ હત્યા થઈ હતી. મહિલાએ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. અનેક વાહનચાલકોએ કાર ઊભી ના રાખી, મહિલાએ હિંમત દાખવી ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયાં હતાં.