મણિપુરમાં ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવ્યા છે. અહીં સુરક્ષાદળો અને કુકી આતંકવાદીઓ વચ્ચે આજે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ 11 આતંકીઓને ઠાર કર્યા હતા. જ્યારે આ હુમલામાં એક જવાન પણ ઘાયલ થયા છે. આતંકવાદીઓએ CRPF કેમ્પ પર હુમલો કર્યો હતો.
મણિપુરના જીરીબામ જિલ્લામાં સુરક્ષા દળો અને કુકી આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદીઓએ પહેલા CRPF કેમ્પ પર હુમલો કર્યો હતો. જે બાદ બંને તરફથી એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળોએ ઓછામાં ઓછા 11 કુકી આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકીઓએ અચાનક કરેલા હુમલામાં એક જવાન પણ ઘાયલ થયો છે, જેને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
આ ઘટનાથી વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. આવિસ્તારમાં તણાવને જોતા દરેક પગલા પર સુરક્ષા દળોની સતર્કતા વધારી દેવામાં આવી છે.
સોમવારે સવારે મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં આતંકવાદીઓના ગોળીબારમાં ખેતરમાં કામ કરી રહેલો એક ખેડૂત ઘાયલ થયો હતો.
વંશીય હિંસામાં સળગી રહેલી મણિપુરની ઇમ્ફાલ ખીણમાં ખેડૂતો પર પહાડી વિસ્તારોમાંથી આતંકવાદીઓ દ્વારા સતત ત્રીજા દિવસે હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હુમલાઓને કારણે ખીણની બહારના વિસ્તારોમાં રહેતા ઘણા ખેડૂતો ખેતરોમાં જતા ડરે છે અને તેનાથી ડાંગરના પાકની લણણી પર અસર પડી રહી છે.
તમને જણાવી દઈએ કે ગત વર્ષે મે મહિનામાં ઈમ્ફાલ ઘાટીમાં પહાડી વિસ્તારોમાં રહેતા મીતેઈ સમુદાય અને કુકી સમુદાય વચ્ચે વંશીય હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા અને આગચંપીમાં 200 થી વધુ લોકો માર્યા ગયા અને હજારો લોકો બેઘર થયા.