પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર આજે શનિવારે સવારે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 24નાં મોત થયાં હતાં, જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે. સવારે 9 વાગ્યે પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા માટે મુસાફરો પ્લેટફોર્મ પર એકઠા થઈ રહ્યા હતા ત્યારે રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ પાકિસ્તાની સેનાના જવાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ અંગે તપાસ ચાલુ છે. વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મીએ લીધી
બલૂચિસ્તાનની આઝાદી માટે આતંકવાદી (Pakistan Bomb Blast) ચળવળ ચલાવી રહેલા બલૂચ લિબરેશન આર્મી (BLA) ના માજીદ બ્રિગેડે આ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)ના પ્રવક્તાએ કહ્યું, “અમે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની સેના પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારીએ છીએ. ખોરાસાન ડાયરીએ ક્વેટાના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું કે, `આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે એક આત્મઘાતી બૉમ્બરે ઝફર એક્સપ્રેસના વેઇટિંગ એરિયામાં પોતાને ઉડાવી દીધો, જ્યાં સુરક્ષાકર્મીઓ બેઠા હતા.

આજે સવારે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની આર્મી યુનિટ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ ઈન્ફન્ટ્રી સ્કૂલમાંથી કોર્સ પૂરો કર્યા બાદ જાફર એક્સપ્રેસથી પરત ફરી રહ્યા હતા. આ હુમલો BLAના આત્મઘાતી યુનિટ મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો. વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સ્ટેશન પર ભીડને જોતાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયાં છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે અને ઘટનાનો રિપોર્ટ માગવામાં આવ્યો છે.

સરકારી અધિકારીએ કહ્યું હતું કે ત્યાંની હોસ્પિટલોમાં ‘ઇમર્જન્સી’ લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે “ઘાયલોને મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.” વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાના ફૂટેજમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર કાટમાળ દેખાઈ રહ્યો છે, જે સમયે પ્લેટફોર્મ પરથી એક ટ્રેન પેશાવર જવા માટે તૈયાર હતી.

આ પહેલાં એસએસપી મોહમ્મદ બલોચે કહ્યું હતું કે આ ઘટના “આત્મઘાતી હુમલા જેવી લાગે છે, પરંતુ હાલમાં કંઈપણ કહેવું ઉતાવળભર્યું રહેશે.” આ મામલે તપાસ ચાલી રહી છે. અગાઉ, ઈધી બચાવ સેવાના વડા ઝીશાને કહ્યું હતું કે વિસ્ફોટ “રેલવે સ્ટેશનની અંદર થયો હતો.”