ઓડિશામાં આજે મોડી રાત્રે વાવાઝોડું ‘દાના’ ટકરાશે, દરિયાકાંઠે 70 કિમીની ઝડપે પવન ફુંકાયો, 15 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે

cyclone-DANA

બંગાળની ખાડીમાંથી સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું ‘દાના’ આજે મોડીરાત્રે 2 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ પર પણ થશે. હાલમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં મધ્ય અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં બની રહેલું વાવાઝોડું છેલ્લા 6 કલાકથી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે જ્યારે વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારે ત્રાટકશે ત્યારે તેની ગતિ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

NDRF, ODRF અને ફાયર બ્રિગેડની ટીમો તહેનાત
પશ્ચિમ બંગાળના હાવડામાં ગંગા નદી પર કાળા વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. અનેક જગ્યાઓ પર વીજળી ઠપ્પ થઈ ગઈ છે. વાવાઝોડું પારાદીપથી 260 કિમી દક્ષિણ-પૂર્વ અને સાગર દ્વીપથી 350 કિમી દૂર છે. વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં 20 સેમી વરસાદ પડી શકે છે. ભદ્રક, કેન્દ્રપરા સહિત કેટલાંક સ્થળોએ 12 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. આ દરમિયાન 20 કિલોમીટરની ઝડપે પવનો ફુંકાશે. ઓડિશાના 14 જિલ્લામાંથી 10 લાખ લોકોને ખસેડવામાં આવ્યા છે. ઓડિશાએ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF), ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF) અને ફાયર બ્રિગેડની 288 ટીમો તહેનાત કરી છે.

ફ્લાઇટ્સ અને ટ્રેનો પણ કેન્સલ કરાઈ
ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી 16 કલાક લગભગ 300 ફ્લાઇટ્સ કેન્સલ રહેશે. વાવાઝોડાની ગંભીરતાને જોતા સાઉથ ઈસ્ટ રેલવેએ 150 ટ્રેનો, ઈસ્ટ કોસ્ટ રેલવેએ 198 ટ્રેનો, ઈસ્ટર્ન રેલવેએ 190 ટ્રેનો અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેએ 14 ટ્રેનો કેન્સલ કરી છે. કુલ 552 ટ્રેનો રદ કરવામાં આવી છે.

શાળા-કોલેજો બંધ કરી દેવાઈ
ઓડિશાના 14 જિલ્લામાં 25 ઓક્ટોબર સુધી શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ જિલ્લાના 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તમામ ટૂરિઝમ પાર્ક, ઓડિશા હાઈકોર્ટને 25 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.