વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે રશિયાના કઝાનમાં આયોજિત 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે. પીએમ મોદી જ્યારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમનું લાડુ અને કેકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ અહીં એનઆરઆઇને પણ મળ્યા હતા. આ પછી કઝાનની હોટલ પર પહોંચીને તેમણે ભારતીય પોશાક પહેરીને રશિયન કલાકારો દ્વારા કરવામાં આવેલ નૃત્ય જોયુ હતું. જ્યારે પીએમ મોદી કઝાનમાં હોટેલ કોર્સ્ટન પહોંચ્યા, ત્યારે ભારતીય પ્રવાસી સમુદાયના સભ્યોએ નૃત્ય પ્રદર્શન સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તો રશિયન સમુદાયના લોકોએ કૃષ્ણ ભજન સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ તેમના સ્વાગત સમારોહ દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરી અને તેમની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી. તેમણે કહ્યું, “તમારી મહેનતે ભારતને ગૌરવ અપાવ્યું છે. આપણે એક થઈને આપણા દેશને આગળ લઈ જવાનો છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આજે રશિયાના કઝાન શહેરમાં યોજાયેલી 16મી બ્રિક્સ સમિટમાં મુલાકાત થઈ હતી. પીએણ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન પુતિને કહ્યું, “અમારા સંબંધો એટલા સારા છે કે અમે ટ્રાન્સલેટર વિના એકબીજાને સમજી શકીએ છીએ.”
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે રશિયા-ભારત વચ્ચે ચાલી રહેલા સહયોગને ખૂબ જ મહત્વના માનીએ છીએ. બંને દેશો બ્રિક્સના મૂળ સભ્ય દેશો છે. રશિયા અને ભારત વચ્ચે ખાસ વ્યૂહાત્મક ભાગીદારી છે. આ સંબંધ વધતો રહેશે. અમારા વિદેશ મંત્રી સતત સંપર્કમાં છે. અમારો બિઝનેસ પણ આગળ વધી રહ્યો છે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘આગામી બેઠક પણ 12મી ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે. અમારી મોટી યોજનાઓ વિકસી રહી છે. ભારતે કઝાનમાં કાઉન્સિલ જનરલ ખોલવાનો નિર્ણય લીધો છે, જેનું અમે સ્વાગત કરીએ છીએ. ભારતની રાજદ્વારી હાજરીથી અમારા સહયોગને ફાયદો થશે. અમે તમને અહીં જોઈને ખૂબ જ ખુશ છીએ.’
રશિયાના રાષ્ટ્રપતિએ શુભેચ્છા આપવા બદલ વડાપ્રધાન મોદીએ આભાર માન્યો હતો અને કહ્યું કે, હું તમારી મિત્રતા અને ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો આભાર વ્યક્ત કરું છું. કાઝાનમાં ભારતના નવા વાણિજ્ય દૂતાવાસની શરૂઆત થવાની છે, જેના કારણે આપણા સંબંધો વધુ મજબૂત બનશે.
આ સાથે જ વડાપ્રધાન મોદીએ યુક્રેન યુદ્ધ પર ભારતનું સ્ટેન્ડ જાળવી રાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે “દરેક સમસ્યાનો શાંતિથી ઉકેલ લાવવો જોઈએ.” તેમણે કહ્યું- ભારતનો દરેક પ્રયાસ માનવતાના સમર્થનમાં છે. અમે શક્ય એટલી વહેલી તકે શાંતિ પુનઃસ્થાપિત કરવા માગીએ છીએ.