ઈન્ડિગો, એર ઈન્ડિયા અને અકાસાની 15 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું
એરલાઈન્સને બોમ્બની ધમકીના મામલા સતત વધી રહ્યા છે. ઈન્ડિગો, એર ઈન્ડિયા અને અકાસાની 15 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. આ આંકડો માત્ર શનિવારનો છે. તમામ વિમાનોનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી એરપોર્ટ પર અત્યાર સુધીમાં કુલ 3 ફ્લાઈટ્સ લેન્ડ થઈ છે. અકાસા એરલાઈન્સની પાંચ ફ્લાઈટને પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે. સોમવારથી અત્યારસુધીમાં 70થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી છે.
દુબઈથી જયપુર આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX-196ને શુક્રવારે મોડીરાત્રે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં 189 મુસાફરો સવાર હતા. ત્યાર બાદ ફ્લાઈટનું જયપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એર ઈન્ડિયા એક્સપ્રેસે શનિવારે સવારે જણાવ્યું કે ફ્લાઈટે મોડીરાત્રે 1:40 વાગ્યે સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. જો કે તપાસ દરમિયાન એરક્રાફ્ટની ઝીણવટભરી તપાસ બાદ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. પોલીસ બોમ્બ વિશે ખોટી માહિતી આપનારી વ્યક્તિની તપાસ કરી રહી છે.
કંપનીએ કહ્યું, “યાત્રીઓ અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે માર્ગદર્શિકા મુજબ તમામ જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ.”
અન્ય એક નિવેદનમાં, ઈન્ડિગોએ કહ્યું કે, અમે દિલ્હીથી ઈસ્તાંબુલ જતી ફ્લાઈટ 6E11 સંબંધિત પરિસ્થિતિથી વાકેફ છીએ. મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. સોમવાર (14 ઓક્ટોબર 2024) થી, 70 થી વધુ ફ્લાઇટ્સને બોમ્બની ધમકીઓ મળી છે.
આ પહેલા ત્રણ ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જે પાછળથી ખોટી સાબિત થઈ હતી. સાવચેતીના ભાગરૂપે એક પ્લેનને ફ્રેન્કફર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. વિસ્તારાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, દિલ્હીથી ઉડતી ત્રણ ફ્લાઈટ્સને શુક્રવારે (18 ઓક્ટોબર, 2024) સોશિયલ મીડિયા પર સુરક્ષાની ધમકીઓ મળી હતી, ત્યારબાદ તમામ સંબંધિત અધિકારીઓને પ્રોટોકોલ મુજબ તરત જ એલર્ટ કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીથી લંડન, પેરિસ અને હોંગકોંગ જતી વિસ્તારાની ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીઓ મળી હતી, જે પાછળથી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.