દિવાળીના તહેવારોમાં ટ્રેનની કન્ફર્મ ટિકિટ મેળવવી છે? તો અપનાવો આ ટ્રિક

Vikalp

AI(આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની મદદથી મુસાફરો ટ્રેનની ટિકિટ પણ બુક કરી શકશે. ATASની શરૂઆત AIની મદદથી ટ્રેન બુકિંગની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કરવામાં આવી હતી.

દિવાળીના તહેવારોમાં આપ ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, પરંતુ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળી રહી, વેઈટીંગ પણ બહુ વધારે છે. તો આ સમયે તમને ટ્રેનની કન્ફર્મ ટિકિટ કઈ રીતે મળે તે અમે તમને જણાવીશું. ભારતીય રેલવેની ઓલ્ટરનેટ એકોમોડેશન સ્કીમનો ફાયદો ઉઠાવી તમે સરળતાથી કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો.

ભારતીય રેલવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ટ્રેન ટિકિટ બુક કરવાની પ્રક્રિયા સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રોસેસનું નામ છે ઓલ્ટરનેટ એકોમોડેશન સ્કીમ (Alternate Train Accommodation Scheme – ATAS) છે. આ સ્કીમ વિકલ્પ યોજના નામે શરૂ કરી છે. હવે મુસાફરો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી ટ્રેનની ટિકિટ પણ બુક કરી શકશે.

ભારતીય રેલવેએ તાજેતરમાં જ કન્ફર્મ ટિકિટ મેળવવા માટે ટ્રેન ઓલ્ટનેટ ટ્રેન એકોમોડેશન સ્કીમ (ATAS) શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય મુસાફરોને કન્ફર્મ ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો છે. ATASની શરૂઆત AIની મદદથી ટ્રેન બુકિંગની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કરવામાં આવી હતી. જો કોઈ મુસાફર વેઈટિંગ ટિકિટ બુક કરે છે અને ત્યારે તેમાં ATASનો વિકલ્પ પસંદ કરે છે, તો ATAS તે રૂટ પર અન્ય ટ્રેનમાં કન્ફર્મ સીટ મેળવવામાં મદદ કરે છે.

ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે જો તમે બધી ટ્રેનોમાં કન્ફર્મ સીટ તપાસો છો પરંતુ કોઈ પણ ટ્રેનમાં સીટ કન્ફર્મ નથી, તો તમે કોઈ પણ ટ્રેનની વેઈટિંગ ટિકિટ બુક કરી લો. હવે જ્યારે તે રુટ ઉપરની બીજી કોઈ ટ્રેનમાં ટિકિટ કેન્સલ થઈ જાય તો ATAS તમને એક સૂચના મોકલશે, જે તમને જણાવશે કે તે ટ્રેનમાં કન્ફર્મ સીટ ઉપલબ્ધ છે. હવે તમે તમારી વેઇટિંગ ટિકિટને બીજી ટ્રેનમાં ટ્રાન્સફર કરી શકો છો અને આમ તમને કન્ફર્મ સીટ મળશે.

આ રીતે કરો ટિકિટ બુકઃ
ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે તમને વિકલ્પ પ્લાન સૂચવવામાં આવે છે. તમારે આ વિકલ્પ પસંદ કરવો પડશે. હવે તમારે તમારા રૂટ પર દોડતી 7 ટ્રેનો પસંદ કરવાની રહેશે. જે તમારા ડેસ્ટિનેશન પર 30 મિનિટ થી 72 કલાકની અંદર ઉપલબ્ધ થશે. તમે જે ટ્રેનમાં સીટ બુક કરી છે તેમાં કન્ફર્મ સીટ ઉપલબ્ધ નથી અને જો બીજી ટ્રેનમાં સીટ ઉપલબ્ધ થશે તો તમને બીજી ટ્રેનમાં કન્ફર્મ સીટ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓલ્ટરનેટ એકોમોડેશન સ્કીમ પસંદ કરવાનો અર્થ એ નથી કે તમને ચોક્કસ પણે કન્ફર્મ ટિકિટ મળશે. આ બાબત સંપૂર્ણપણે ટ્રેનમાં સીટની ઉપલબ્ધતા પર નિર્ભર કરે છે. જો તમે પસંદ કરેલી 7 ટ્રેનોમાંથી કોઈ ટ્રેનમાં સીટ ઉપલબ્ધ હશે તો જ તમને સીટ મળશે. ભારતીય રેલ્વેની આ સુવિધા મુસાફરોને વધુ વિકલ્પો આપે છે અને સાથે જ તે મુસાફરીને સરળ બનાવવાનો પણ પ્રયાસ કરે છે.