હું માણસાનો છું એટલે મને અહીં સંતોષ મળે છે: અમિત શાહ
ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન અમિત શાહે ગાંધીનગરનાં માણસામાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. રૂપિયા 85 કરોડના ખર્ચે માણસા તાલુકાના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. અમિત શાહના હસ્તે આજે માણસાની પેટા જિલ્લા હોસ્પિટલને રૂ. 244 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અદ્યતન સુવિધાથી સજ્જ અને 425 પથારીની સુવિધા ઘરાવતી હોસ્પિટલનું નિર્માણ કાર્ય બે વર્ષમાં સંપન્ન કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂપિયા 20 કરોડના ખર્ચે ચાર માર્ગીય થનાર પિલવાઇ- મહુડી માર્ગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીના હસ્તે માણસા નગરપાલિકા દ્વારા નવનિર્મિત કરવામાં આવેલા ચંદ્રાસર તળાવનું લોકાર્પણ કરવામાં આવશે. આ તળાવ રૂપિયા 11 કરોડથી વઘુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. આ તળાવમાં વરસાદી પાણીમાં સંગ્રહ માટે પરકોલેશન વેલનું પણ આયોજન થયું હોવાથી, અંદાજે 138 મિલિયન લિટર પાણીનો સંગ્રહ કરી શકાશે.
માણસાના માલણ તળાવનું રૂ. 1 કરોડ 85 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે, તેનું ખાતમુહૂર્ત પણ કેન્દ્રીય મંત્રીના હસ્તે કરવામાં આવશે. રૂ. 6.52 કરોડના ખર્ચે ઢોકળી વિસ્તારમાં અને ઈન્દિરાનગરમાં રાઈઝિગ મેઈન, પંપ હાઉસ સંપ તથા ઉંચી ટાંકી અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની કામગીરી પૂર્ણ કરાઇ છે. માણસા નગરપાલિકા દ્વારા માણસા શહેરનાં 13 જેટલાં તળાવોને એકબીજા સાથે ઈન્ટર લીંકિંગ અને રીચાર્જ વેલ બનાવીને ભૂગર્ભ જળ ઊંચું લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે માણસાના વિકાસ પામનાર અનેક કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં રૂ. 6.23 કરોડના ખર્ચે ગાંધીનગરથી માણસાના પ્રવેશ દ્વારે સસણી તળાવ આગવી ઓળખ યોજના અંતર્ગત તૈયાર થનાર છે. રાણીયાપુરા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ અંદાજિત રૂ.2.25 કરોડના ખર્ચે તૈયાર થનાર છે. માણસા નગરપાલિકા વિસ્તારમાં સૂકા અને ભીના કચરાને અલગ કરવા માટે ડ્રાય અને વેટ વેસ્ટ સેગ્રિગેશન પ્લાન્ટ રૂ. 1.65 કરોડના ખર્ચે તૈયાર થનાર છે.
આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે, તળાવમાં નર્મદાનું પાણી નાંખવાનું કામ કર્યું છે. હું માણસાનો છું એટલે મને અહીં સંતોષ મળે છે. ખેડૂતો ઘર પર સોનાના નળિયા નાંખે એટલા મહેનતું છે. માણસામાં આરોગ્યની જરૂરિયાતો પૂરી થશે. હું માણસામાં ભણ્યો અને મોટો થયો છું. માણસાનો વિકાસ થતો જોઈ ખૂબ જ આનંદ થાય છે. PM મોદીએ હોલેસ્ટીક એપ્રોચથી હેલ્થ સેક્ટરને જોડ્યું છે. મધ્યપ્રદેશમાં હિન્દીમાં મેડિકલનો અભ્યાસ ચાલે છે. ગુજરાતમાં પણ ગુજરાતીમાં મેડિકલનો અભ્યાસ થશે.
ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, દરેક ઘરમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવી સરકારની મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે. આથી 2036માં આપણા ગુજરાતમાં ઓલિમ્પિક રમાડવાનું સપનું સાકાર થાય તે માટે એક મજબૂત પાયાનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગાંધીનગરને શિક્ષણના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યા છે, જે રાજ્ય અને દેશના વિકાસમાં એક મહત્વનો ભાગ ભજવે છે. તેમણે ભારતના અર્થતંત્રની પરિસ્થિતિ પર પણ પ્રકાશ પાડી. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે, તેઓ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે. અમે આ વિસ્તારમાં વૈવિધ્યપૂર્ણ વિકાસના નવા ધોરણો સ્થાપિત કરીશું.