હિંમતનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રેલર પાછળ ઇનોવા કાર ઘૂસી જતાં 7નાં મોત, એક ઘાયલ

himmatnagar-accident

સાબરકાંઠાના હિંમતનગરમાં બુધવારે એટલે કે આજે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. શામળાજીથી અમદાવાદ જઈ રહેલ ઈનોવા કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં કારમાં સવાર 7 લોકોનાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો.

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ઇનોવા કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતાં કારમાં સવાર 8 લોકોમાંથી 7 લોકોનાં કરૂણ મોત થયાં હતા, જ્યારે એક વ્યક્તિ હાલમાં ગંભીર ઘાયલ થયો હોવાને કારણે તેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો છે. આ અકસ્માતમાં કારના ટુકડે ટુકડા થઈ ગયા છે. હાલ પોલીસ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.

અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો બુકડો બોલી ગયો હતો. કારને ગેસ કટ્ટર થી કાપી ને અંદર થી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇનોવા કાર શામળાજી થી અમદાવાદ તરફ આવી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. જેના કારણે હાઇવે પર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. અને ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર કારમાં કુલ 8 લોકો હતા અને તેઓ શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. ઘાયલ અને મૃતકોની ઓળખ કર્યા બાદ પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી છે. આ સાથે મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

તપાસમાં સામે આવ્યું છે કે, તમામ મૃતકો અમદાવાદના કુબેરનગરનાં જ રહેવાસી છે. આ અકસ્માત સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે. અનુમાન છે કે અકસ્માત સમયે ઝડપ 120 કિમી પ્રતિ કલાકથી વધુ હશે. કાર ચાલકને ઊંઘ આવતી હોવાને કારણે આ અકસ્માત થયો હોવાની પણ આશંકા છે.

મૃતકોનાં નામની યાદી

  1. ચિરાગ રવિભાઈ ધનવાની (ઉંમર.23, રહે. કૈલાસરાજ હાઈટ્સ, કુબેરનગર-અમદાવાદ)
  2. રોહિત સુરેશભાઈ રામચંદાની, (ઉંમર 25, રહે. કુબેરનગર-અમદાવાદ)
  3. સાગર નરેશકુમાર ઉદાણી (ઉંમર 22, રહે. કુબેરનગર-અમદાવાદ)
  4. ગોવિંદ લાલચંદભાઈ રામરાણી, (ઉંમર 28,રહે. કુબેરનગર-અમદાવાદ)
  5. રાહુલ પ્રહલાદભાઈ મુલચંદાની, (ઉંમર 22, રહે. કુબેરનગર-અમદાવાદ)
  6. રોહિત (રહે. કુબેરનગર-અમદાવાદ)
  7. ભરત (રહે. કુબેરનગર-અમદાવાદ)

જ્યારે ઇજાગ્રસ્ત હનીભાઈ શંકરલાલ તોતવાની (ઉં.વ. 22, કુબેરનગર, અમદાવાદ) હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે.