નવી મુંબઈની તલોજા જેલમાંથી થાણે લઈ જતી વખતે અક્ષયનું એન્કાઉન્ટરમાં મોત થયું હતું
BADLAPUR RAPE CASE: બદલાપુરની એક શાળામાં બે માસૂમ બાળકીઓનું જાતીય શોષણ કરનાર આરોપી અક્ષય શિંદેનું પોલીસે સોમવારે એન્કાઉન્ટર કર્યું હતું. ઘટના સમયે પોલીસ ટીમ અક્ષયને કોર્ટમાં હાજર કરવા તળોજા જેલમાંથી તેમની સાથે લઈ જઈ રહી હતી ત્યારે પોલીસ સાથે ઝપાઝપીમાં મોત મળ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત ને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રના વિરોધ પક્ષો દાવો કરી રહ્યા છે કે આમાં કોઈ ષડયંત્ર છે. આ દરમિયાન આરોપીને ગોળી મારનાર પોલીસ ઈન્સ્પેક્ટર સંજય શિંદેનું નિવેદન આવ્યું છે.
પોલીસ ઈન્સપેક્ટર સંજય શિંદેએ કહ્યું, ‘હું ડ્રાઈવરની બાજુમાં બેઠો હતો. અક્ષય શિંદે અને API નિલેશ મોરે સહિતના અન્ય કોન્સ્ટેબલ પાછળ બેઠા હતા. શિલફાટા રોડ પર જતી વખતે, મોરેનો ફોન આવ્યો, તેણે તેને જાણ કરી કે અક્ષય આક્રમક બની રહ્યો છે. તે તેની ધરપકડ પર સવાલો ઉઠાવતો રહ્યો અને અપશબ્દો બોલતો હતો. તેણે કોઈને પણ જીવતો નહીં છોડવાની ધમકી આપી હતી. ત્યારબાદ કાર રોકી અને પાછલ જઈને અક્ષયને શાંત કરવાનો પ્રયાસ કર્યો.
વાન મુંબઈનાં વાય જંક્શન પર પહોંચતાની સાથે જ સ્થિતિ વણસી ગઈ હતી. અક્ષયે એપીઆઈની પિસ્તોલ લેવાનો પ્રયાસ કર્યો હતો. . તે બૂમો પાડી રહ્યો હતો, મને જવા દો. તેમણે કહ્યું કે આ સંઘર્ષમાં નિલેશ મોરેની પિસ્તોલ લોડ થઈ ગઈ અને તેમના ડાબા પગમાં ગોળી વાગી, જેના કારણે તે નીચે પડી ગયા. અક્ષય શિંદેએ પિસ્તોલ હાથમાં લઈને જોરથી બૂમો પાડીને કહ્યું હતું કે હવે હું કોઈને જીવતા નહીં છોડું.
અક્ષય શિંદેએ પિસ્તોલ કોન્સ્ટેબલ હરીશ તાવડે તરફ તાકી અને તેને મારવાના ઈરાદે બે ગોળી ચલાવી, પરંતુ સદનસીબે તે ગોળીઓ અમને વાગી નહીં. અક્ષયનું આ ઉગ્ર સ્વરૂપ અને તેના ઈરાદા જોઈને અમને પૂરી ખાતરી થઈ ગઈ કે તે અમને મારી નાખશે. આથી મારી અને મારા સાથીદારોની સલામતી માટે મેં મારી પિસ્તોલમાંથી અક્ષય તરફ ગોળી ચલાવી અને જેમાં તેને ઇજા થઇ અને તે નીચે પડી ગયો અને તેના હાથમાંથી પિસ્તોલ નીચે પડી ગઈ હતી.
પોલીસ ઈન્સ્પેક્ટર સંજય શિંદેએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પછી અમે આરોપી અક્ષય શિંદેને દબોચી લીધો અને ડ્રાઈવરને નજીકના કલવામાં છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલ જવા કહ્યું. ત્યાં મેં આરોપી અક્ષય શિંદે અને મદદનીશ પોલીસ નિરીક્ષક નિલેશ મોરેને સારવાર માટે દાખલ કર્યા હતા. ડૉક્ટરોએ સારવાર શરૂ કરી હતી મને પછી ખબર પડી કે આરોપીને દાખલ કરતા પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું.
થાણે પોલીસે આરોપી અક્ષય શિંદે વિરુદ્ધ પોલીસકર્મીઓ પર ફાયરિંગ કરવા બદલ હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીના અકસ્માત મોતનો ગુનો પણ નોંધ્યો છે.
24 વર્ષીય શિંદે પર બદલાપુરની એક શાળામાં બે સગીર છોકરીઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. બદલાપુરની એક શાળામાં કોન્ટ્રાક્ટ સફાઈ કામદાર શિંદેની 17 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. આના પાંચ દિવસ પહેલા તેણે શાળાના શૌચાલયમાં બે છોકરીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સોમવારે સાંજે જ્યારે ગોળીબારની ઘટના બની ત્યારે શિંદેને તેની પૂર્વ પત્નીની ફરિયાદ પર તેમની સામે નોંધાયેલી એફઆઈઆરના સંબંધમાં તલોજા જેલમાંથી બદલાપુર લઈ જવામાં આવી રહ્યો હતો.