ખેડા જિલ્લાના વસોમાં ગણેશ વિસર્જન દરમિયાન બે કોમના જૂથ સામ સામે આવી જતાં તંગદીલી સર્જાઈ, પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લીધી, નામ જોગ FIR 13 લોગો સામે થઈ.
ગુજરાત રાજ્યમાં તહેવારો દરમિયાન વારંવાર અસામાજિક તત્વો દ્વારા રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગણેશોત્સવ દરમિયાન જ છઠ્ઠીવાર આવી ઘટના સામે આવી છે. જ્યારે ખેડા જિલ્લાના કઠલાલ, મહુધા બાદ હવે વસોમાં પણ બે કોમના જૂથ ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે.
મંગળવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ગણેશ વિસર્જન દરમિયાન બે જૂથ વચ્ચેના ઘર્ષણની ઘટના સામે આવી છે. વસોમાં ગણેશ વિસર્જનની યાત્રા સમયે ગામની મુખ્ય મસ્જીદ પાસે ગુલાલ ઉડાડવા અને મસ્જીદ પાસે ઝંડો ફરકાવવા બાબતે બે કોમના જુથ વચ્ચે ઘર્ષણ સર્જાતા તંગદીલીનો માહોલ બન્યો હતો.
બંને કોમના ટોળા એકત્ર થઈ જતાં સ્થળ ઉપર હાજર પોલીસ જવાનોએ સ્થિતિ સંભાળી લીધી હતી. આ ધટનામાં કોઈને પણ ઈજા પહોંચી નથી આ ઘટનાને પગલે SP, DySP સહિત SOG, LCB, વસો પોલીસ, નડિયાદ પોલીસ અને માતર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે હિન્દુ પક્ષ દ્વારા આ ઘટનાને લઈને નામ જોગ 12 સામે ગુન્હો દાખલ કરાવ્યો અને ટોળામાં સામેલ આશરે 10 સામે પણ નોંધાવી એફઆઈઆર જેમાં હાલ પોલીસ દ્વારા 12 લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ મામલે એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, વસોમાં પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જન યાત્રા ચાલી રહી હતી. જે સાંજના સમયે જામા મસ્જિદે પહોંચતા કેટલાક લોકોએ ડીજે વગાડવા બાબતે તકરાર કરી હતી. જેને લઈ આમને સામને બોલાચાલી થઈ હતી. ધટના સ્થળે પોલીસ હોવાથી બીજું કોઈ ઘર્ષણ થયું નથી. આ પહેલાં સુરત, વડોદરા, ભરૂચ, કચ્છ અને ખેડામાં પણ આ પ્રકારની ઘટના જોવા મળી હતી. જ્યાં અમુક અસામાજિક તત્વો દ્વારા કોમવાદના નામે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.