12 વર્ષના એક કિશોરે અન્ય કિશોરોને આ કાર્ય માટે ભેગા કર્યા હોવાનું સામે આવ્યુ
પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે
સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. બાદમાં પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી. 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી છે. કોર્ટના હુકમ બાદ તમામ કિશોરને ચિલ્ડ્રન હોમમાં મોકલાયા છે. 12 વર્ષના એક કિશોરે અન્ય કિશોરોને આ કાર્ય માટે ભેગા કર્યા હોવાનું સામે આવ્યુ છે.
પોલીસ દ્વારા અલગ અલગ 5 થી વધુ મુદ્દા પર રિમાન્ડની માગણી કરવામાં આવી છે. આરોપીઓ વિરૂદ્ધ IPCની કલમ 324(4), 125, 121(1), 109,115(1), 189(1), 189(2),190, 191 હેઠળ ફરજમાં રૂકાવટ, પોલીસ અને પબ્લિક પર પથ્થર મારો, પોલીસના વાહનોની તોડફોડ અને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવુ છે કે પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે. આરોપીઓ તરફથી ડિફેન્સ વકીલ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર હસમુખ લાલવાલા છે. સાથે ઝેબા પઠાણ, જાવેદ મુલતાની, અબ્દુલ શેખ વકીલ છે. જ્યારે સરકારી વકીલ નયન સુખડવાલા છે.
પથ્થરમારાની ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસે જે 6 કિશોરને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદરેસામાં જાય છે. છેલ્લા એક મહિનાથી મદરેસામાં જઈ રહેલા કિશોરે અન્ય 5 કિશોરોને ભેગા કર્યા હતા. પિતા વગરના આ કિશોરે વરિયાવી ચા રાજા ગણેશ પ્રતિમા પર પથ્થર ફેંકવાનો બે વાર પ્રયાસ કર્યો હતો. શનિવારે અસફળ રહ્યાં બાદ કિશોર રવિવારે પથ્થરમાર કરવામાં સફળ રહ્યાં હતા.
આ કિશોરને પથ્થરો મારવાનું કોણે શિખવાડ્યું તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે અને જે મદરેસામાં જાય છે તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ગણેશ પંડાલમાં પથ્થરમારો કરનાર 6 કિશોર સામે જુવેનાઈલ એક્ટ અંતર્ગત તો કાર્યવાહી કરી છે. સાથે સાથે કિશોરોના માતા-પિતાને બોલાવીને પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે ગણેશ મંડપમાં પથ્થરમારો કરનારા કિશોરો હતા એને સામાન્ય બાબત ગણી નથી.
આરોપીઓ જે રિક્ષામાં ગયા હતા એ રિક્ષાચાલકની પણ ધરપકડ કરી લીધી છે, જો કે, રિક્ષાચાલકની ભૂમિકા શું છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. પરંતુ રિક્ષાચાલકે જણાવ્યું હતું કે, રિક્ષામાં બેઠેલાં બાળકો શું કરવાનાં છે તે અંગે મને જાણકારી નહોતી. હું તેમના વિસ્તારમાં રહું છું અને તેઓએ કહ્યું હતું કે, અમારે સૈયદપુરા જવાનું છે. પંડાલ પાસે તેણે રિક્ષા રોકી કે તુરંત જ 6 માંથી એક મુખ્ય કિશોર આરોપીએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો. આ કિશોર તેનાં દાદી સાથે રહે છે અને મદરેસામાં જાય છે. પિતા હયાત નથી અને માતાએ બીજા લગ્ન કર્યા છે.
સ્થાનિક રહેવાસીઓને ગણેશ મંડપ પાસેથી અનેક પથ્થરો મળી આવ્યા હતા. લોકોએ તમામ છોકરાઓને પકડીને પોલીસને સોંપી દીધા હતા. સ્થાનિકોનું કહેવું હતું કે, છોકરાઓ પાસે આવાં કૃત્ય કરવનારા તત્ત્વોને સજા થવી જરૂરી છે. આ ઘટનામાં લાલગેટ પોલીસે હત્યાની કોશિશ, રાયોટિંગ, તોડફોડ સહિત કલમો હેઠળ 3 ગુના નોંધ્યા છે. આરોપીઓને પકડવા 6 ટીમો બનાવી છે.
FIR-1 : રવિવારે હું સ્ટાફ સાથે પેટ્રોલિગમાં હતો ત્યારે રિક્ષામાં આવેલા 6થી 8 છોકરાએ મંડપ પર પથ્થર મારતા મૂર્તિના ઢોલને નુકસાન થયું હતું. તમામને ચોકી પર લાવી પૂછપરછ કરતા હતા ત્યારે બહાર 300નું ટોળું ભેગું થતાં વધુ પોલીસ ફોર્સ બોલાવી પડી હતી. કેટલાક ઈસમોએ બૂમો પાડી હતી કે, ‘માથામાં લાકડી મારો તો મરી જશે’ એમ કહી હુમલો કરતાં અમારા બે પોલીસકર્મીઓને ઈજા પણ થઈ હતી.
FIR-2: અમે સૈયદપુરા ચોકી પર છોકરાઓની પૂછપરછ કરતા હતા ત્યારે રાત્રે 11.30 વાગ્યે કતારગામ દરવાજા પાસે વાહનોની તોડફોડ થઈ છે એવી માહિતી મળી હતી. સ્થળ પર જોતાં પાર્ક કરેલા ટેમ્પો-કાર સહિતના વાહનોની 70થી 80 ઈસમો તોડફોડ કરતા હતા. બે વાહનને આગ લગાવી હતી. પોલીસે 3 ટીયર ગેસ છોડતાં ટોળું વેરવિખેર થઈ ગયું હતું. બાદમાં ફાયરબિગ્રેડે વાહનો પર પાણનો મારો ચલાવી ઓલવ્યાં હતા.
FIR-3 : રવિવારે સાંજે સત્યનારાયણ ભગવાનની કથા રાખી હતી, જે 7.30 વાગ્યે પૂર્ણ કરી બાપાની આરતીની તૈયારી કરતા હતા ત્યારે રાત્રે 9.30 વાગ્યે અમે મહોલ્લાના લોકો સાથે મંડપ પર બેઠા હતા તે દરમિયાન રિક્ષાચાલક અને રિક્ષામાં બેઠેલા 6થી 8 કિશોરો પૈકી એકે ગણપતિ બાપાના મંડપ પર પથ્થર ફેંક્યો હતો, જેમાં પ્રતિમાના ઢોલને નુકસાન થયું હતું, જેથી હિંદુઓની ધાર્મિક લાગણીને આઘાત પહોંચાડ્યો હતો.
સૈયદપુરા વિસ્તારમાં હિંસા ફાટી નીકળતા પોલીસે પથ્થરબાજોની શોધખોળ હાથ ધરી હતી. બબાલ બાદ પથ્થરબાજો પોતાનાં ઘરોમાં છુપાઈ ગયા હતા. પોલીસ શોધતાં-શોધતાં તેમના ઘર સુધી પહોંચી હતી. કેટલાંક મકાનોમાં બહારથી તાળું મારેલું હતું. ચોક્કસ માહિતી હતી કે, ભલે તાળું બહારથી માર્યું હોય પણ પથ્થરબાજો અંદર છે. પરિણામે પોલીસે અનેક મકાનોનાં તાળાં તોડીને પથ્થરબાજોની અટકાયત કરી હતી. તો બીજી તરફ પથ્થરબાજોએ મહિલાઓને આગળ કરી હતી. મહિલાઓએ ઘરે એકલી હોવાનું જણાવતા ક્રાઈમ બ્રાન્ચના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને આવાં ઘરોમાં મોકલાયાં હતાં. પોલીસની નજરથી બચવા કિચનના પડદાની પાછળ ચાર લોકો એક ઉપર એક સૂઈ ગયા હતા. અને પોતાના ચંપલ પણ પોતાની પાસે રાખ્યા હતા. પરંતુ પોલીસે ઘરમાં ઘૂસીને આ આરોપીઓને પકડ્યા હતા.
સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પથ્થરમારાની ઘટનાના આરોપીઓનું લિસ્ટ
- અશરફ અબ્દુલ સલમાન અંસારી (રહે. કલાઇગરવાડ)
- આસિફ મહેબૂબ સૈયદ (રહે, ફારૂખ મંઝિલ, સૈયદપુરા)
- અલ્તાફ સુલેમાન ચૌહાણ (રહે, બોમ્બેવાલા બિલ્ડિંગ, વરિયાવી બજાર)
- ઇસ્તીયાક મુસ્તાક અંસારી (રહે, અંજુમન ચાલ, સૈયદપુરા)
- આરીફ અબ્દુલ રહીમ (રહે, રોશનપાર્ક, સૈયદપુરા)
- તલ્હા મજદરૂલ સૈયદ (રહે, રોશનપાર્ક, સૈયદપુરા)
- ઇલ્યાસ ગુલામુન શેખ (રહે, રોશનપાર્ક, સૈયદપુરા)
- ઇરફાન મો.હુસૈન બાગીયા (રહે, રોશનપાર્ક, સૈયદપુરા)
- અનસ આમીર ચરમાવાલા (રહે, રોશનપાર્ક, સૈયદપુરા)
- મો. સાકીલ મો. યુસુફ ગાડીવાલા (રહે, બરાનપુરી ભાગળ)
- આશીફ મહીર વિધ્ય (રહે, રોશનપાર્ક, સૈયદપુરા)
- ઇમામુલ ઇસ્માઇલ શેખ (રહે, અલીઇલાફ એપા, સૈયદપુરા)
- ફૈમુદ્દીન હુસૈનુદ્દીન સૈયદ (રહે, અલીઇલાફ એપા, સૈયદપુરા)
- સાજીદ શેખ અબ્દુલમુનાફ માસ્ટર (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
- આબનજી હસન અલુબબકર (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
- તૈયબાની મુસ્તુફા કાદરઅલી (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
- ઇમરાનઅલી મોહમદ પરીયાણી (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
- ઇરફાન સુલેમાન કમાણી (રહે, આલીયા એપા., ભંડારીવાડ)
- કાજી હુસેરા સાઉદ એહમદ (રહે, મીના કોમ્પ., સગરામપુરા)
- મો. વાસી સૈયદ સુદુકી (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
- મો. અયાન મો. રઇશ (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
- મોયુદ્દીન ભીખા ઘાંસી (રહે, રહેમાની પેલેસ, વેડ દરવાજા)
- સોહેબ સાહિલ ઝવેરી (રહે, ફૂલવાડી, ભરીમાતા રોડ)
- ફિરોજ મુખ્તાર શા (રહે, ગોગા મંજીલ, રામપુરા)
- અબ્દુલ કરીમ રસિદ સહેમદ (રહે, રિવરવ્યૂ સોસા., ભરીમાતા રોડ)
- જુનેદ વહાબ શેખ (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
ઉલ્લેખનીય છે કે, સુરતના સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ 8 સપ્ટેમ્બરના રાતના 9 વાગ્યા પછી પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડી મોડી રાત્રે 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ છે.
સુરત શહેરના જુદા જુદા પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ચાંપતી નજર છે. ખટોદરા, અઠવા, સલાબતપુરા, લાલગેટ, લીંબાયત પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમ થકી ગેરપ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા આવી રહી છે. સંવેદનશીલ તથા કોમ્યુનલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આઝાદ નગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગર, નાનપુરા કાદર શાહ નાલ, રુસ્તમપૂરા, સૈયદપૂરા, ચૌક, મહિધરપુરામાં ડ્રોન ઉડાવવામાં આવ્યું છે. ઝુપડપટ્ટી વિસ્તાર તથા ધાબા પર ચેકિંગ ચાલુ છે. ફૂટ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સતત ત્રીજા દિવસ સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.