અમદાવાદમાં ફૂડ પાર્ક બનાવશે UAE, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સની ભારત યાત્રામાં 5 મહત્વના કરાર થયા

modi-and-mohammadbinzayed

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન હાલ ભારતની મુલાકાતે છે. ભારતની મુલાકાતે આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વની ચર્ચા-વિચારણા કરવાની સાથે ચાર મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને નેતાઓએ ન્યુક્લિયર એનર્જી, ઓઈલ અને ફૂડ પાર્કને લગતા કરારો પર હસ્તાક્ષર કર્યા છે.

બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે થયેલા હસ્તાક્ષરોમાં અબુધાબી નેશનલ ઑઈલ કંપની (ADNOC) અને ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) વચ્ચે લાંબા ગાળા માટે એલએનજી પુરવઠોનો સમજૂતી કરાર તેમજ એનડીએનઓસી અને ઈન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) વચ્ચેનો કરાર સામેલ છે. આ ઉપરાંત ગુજરાત સરકાર અને અબુધાબી ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપની PJSC વચ્ચે પણ ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવવા અંગે સહમતી સધાવાની સાથે કરાર કરવામાં આવ્યો છે.

મોદીને મળ્યા બાદ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે ગાંધીજીના ઉપદેશો આપણને પ્રેરણા આપે છે. આ પછી તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા.

આ પ્રથમ વખત છે જ્યારે ભારતે UAEના શાસક ગૃહની નવી પેઢી સાથે સત્તાવાર રીતે સંબંધો સ્થાપિત કર્યા છે. ક્રાઉન પ્રિન્સ આવતીકાલે મુંબઈની મુલાકાત લેશે. જ્યાં તેઓ બંને દેશોના બિઝનેસ લીડર્સની બેઠકમાં ભાગ લેશે.

ગુજરાત સરકાર અને અબુ ધાબીની કંપની વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ભારતમાં ઘણા ફૂડ પાર્ક બનાવવામાં આવશે. તે જ સમયે, બરકાહમાં યુએઈના પરમાણુ પાવર પ્લાન્ટના સંચાલન અને જાળવણીને લઈને ભારત સાથે કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારતે બંને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત અબુ ધાબી લાંબા સમય સુધી ભારતને LPG સપ્લાય કરશે.

અમદાવાદમાં શરૂ થશે ફૂડ પાર્ક
વિદેશ મંત્રાલયે પ્રેસ રિલીઝ બહાર પાડી છે. જે અનુસાર અબુ ધાબીની કંપની અમદાવાદના બાવળા નજીક આવેલા ગુંદાનપરા ગામને આ પ્રોજેક્ટ માટે આશાસ્પદ સ્થળ તરીકે જોવે છે અને ત્યાં ફૂડ પાર્ક વિકસાવવામાં રૂચિ ધરાવે છે. આ ફૂડ પાર્ક બનાવવાનું કામ 2025ના બીજા ક્વાર્ટરમાં શરૂ થશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ અમીરાત પરમાણુ પાવર કંપની (ENEC) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે પણ બારાકાહ પરમાણુ પાવર પ્લાન્ટના સંચાલન તેમજ મેઈન્ટેન્સ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જ્યારે ચોથા સમજૂતી કરાર હેઠળ એનર્જી ઈન્ડિયા અને ADNOC વચ્ચે અબુ ધાબી ઓનશોર બ્લોક-વન માટે ઉત્પાદન કન્સેશન કરાર કરવામાં આવ્યો છે.

ભારત અને યુએઈ વચ્ચે થયેલા પાંચ સમજૂતી કરારની યાદી

  • ADNOC અને IOCL વચ્ચે લાંબા ગાળા માટે એલએનજી પુરવઠો પૂરો પાડવા માટેનો સમજૂતી કરાર
  • ADNOC અને ISPRL વચ્ચે કરાર
  • ENEC અને NPCIL વચ્ચે પણ બારાકાહ પરમાણુ પાવર પ્લાન્ટના સંચાલન તેમજ મેઈન્ટેન્સ માટે સમજૂતી કરાર
  • એનર્જી ઈન્ડિયા અને ADNOC વચ્ચે અબુ ધાબી ઓનશોર બ્લોક-વન માટે ઉત્પાદન કન્સેશનનો કરાર
  • ગુજરાત સરકાર અને PJSC વચ્ચે ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવવા માટેનો કરાર