મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના મુખ્ય શિખરને સોનાથી મઢવામાં આવશે, ટ્રસ્ટી મંડળનો નિર્ણય

sidhivinayaktemple

મંદિરના 35 ફૂટ ઉંચા મુખ્ય શિખરને સુવર્ણજડિત કરવામાં એક વર્ષથી વધુ સમય લાગશે
મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરથી જ્યોત લાવી, આથી આ મંદિરનું નામ સિદ્ધિ વિનાયક રાખવામાં આવ્યું

અંબાજી બાદ વધુ એક મંદિરના શિખરને સોનાથી મઢાશે. મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરના મુખ્ય શિખરને સોનાથી મઢવામાં આવશે. ગણેશ મહોત્સવ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય નક્કી કરવામાં આવ્યો છે, જે મુજબ, મંદિરની ઉપર 35 ફૂટ ઊંચા મુખ્ય શિખરને સુવર્ણ જડિત કરવામાં આવશે. આ કાર્ય પાછળ મંદિર ટ્રસ્ટ દ્વારા દાન પણ એકત્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમ સંદર્ભે બે દિવસીય ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવશે.

અમદાવાદથી 25 કિમી દૂર મહેમદાવાદ શહેરમાં વાત્રક નદીના કિનારે સિદ્ધિવિનાયક મંદિરનું નિર્માણ 8 જાન્યુઆરી 2016માં કરવામાં આવ્યું હતું. સિદ્ધિ વિનાયક મંદિર ગણપતિજીની આકૃતિવાળું દેશનું સૌથી વિશાળ મંદિર છે. આ વિશાળ મંદિરની ઊંચાઈ 71 ફૂટથી પણ વધુ છે. મંદિરના ચોથા માળે મુંબઈથી સિદ્ધિ વિનાયક ગણપતિની હુબહુ મૂર્તિની સ્થાપના કરાઈ છે. આ મંદિરમાં નિત્યક્રમ 20 હજારથી વધુ ભક્તો દર્શનનો લાભ લે છે.

હાલ દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ આગામી 7-10 દિવસ સુધી ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે મંદિરના પ્રાંગણમાં 100 ફૂટ પહોળો વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યો છે. ગણેશ મહોત્સવના અંતિમ દિવસે મહેમદાવાદ તાલુકાના 94 ગામડાંની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓના સામૂહિક વિસર્જનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે મંદિરમાં સ્થાપન કરાયેલી મૂર્તિનું પણ આ કુંડમાં વિસર્જન કરવામાં આવશે.

મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિતના જણાવ્યા અનુસાર સિદ્ધિવિનાયક મંદિરમાં વિશ્વના વિવિધ દેશોની પ્રાચીન 12 મૂર્તિ સ્થાપિત કરવાની સાથે અર્બુદા દેવી, મહાદેવ તથા હનુમાન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરથી અખંડ જ્યોત લાવવામાં આવી છે. આથી આ મંદિરનું નામ પણ સિદ્ધિ વિનાયક જ રાખવામાં આવ્યું છે. આ વિશાળ મંદિર પોતાના અદભૂત સ્થાપત્ય માટે ખુબ જ પ્રસિદ્ધ છે.

એશિયાનું સૌથી વિશાળ ગણપતિ મંદિર ગુજરાતમાં આવેલુ છે. આ ગણેશ મંદિર એટલું વિશાળ છે કે તેનું નામ “એશિયા બુક ઓફ રેકોર્ડ્સ” તથા “ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ્સ”માં નોંધાયેલ છે. તે અમદાવાદથી 25 કિ.મી અંતરે મહેમદાવાદમાં વાત્રક નદી કિનારે આવેલુ છે.