પથ્થરમારો કરનાર 27 લોકોની ધરકપડ કરાઈ, 12 થી 13 વર્ષની ઉંમરના 6 બાળકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો, જેથી તેમના માતા-પિતાને સંદેશો મળે અને અન્ય બાળકો પણ આવું શિખે નહી
ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે. ત્યારે સુરતના સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર ગઈકાલે રાત્રે 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. રાત્રે 9 વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આ બાદ વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી.
આ ઘટના બાદ હિંદુ સમુદાયના લોકો ભારે રોષે ભરાયા હતા. મોટી સંખ્યામાં લોકોએ સૈયદપુરા પોલીસ સ્ટેશન પહોંચીને તેમનો વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે આખી રાત ઉજાગરો કરીને પત્થરમારો કરનારા અને તેમને સાથ આપનારાઓને પકડી લીધા છે. પોલીસે રાત્રે ટીયરગેસ છોડ્યા હતા. લાઠીચાર્જ કર્યો હતો. સ્થિતિને જોતા સ્થાનિક ધારાસભ્યએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઘટનાને જોતા તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યું છે.
યુપીમાં યોગીના બુલડોઝર એક્શનની જેમ દાદાના ગુજરાતમાં પણ બુલડોઝર એક્શન શરૂ થઈ હોવાનો ગણગણાટ શરૂ થયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરત મનપાના અધિકારીઓએ હાજર રહી ગેરકાયદે મિલકતોનું ડિમોલીશન કર્યું હતું. સુરત મનપા દ્વારા સૈયદપુરા પોલીસ ચોકી પાસે પતરાનાં શેડમાં ખાણી પીણીના જે તમામ લારી ગલ્લા હતા, કે જેમણે વર્ષોથી દબાણ કરી કબ્જો કરી રાખ્યો હતો. તે તમામ ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરતા સ્થાનિકોમાં અચરજ જોવા મળી છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપતા જણાવ્યું હતું કે, બહારથી આવેલા અસામાજીતક તત્વોએ રીક્ષામાંથી પથ્થરમારો કર્યો હતો. આશરે 12 થી 13 વર્ષની ઉંમરના 6 બાળકોએ પથ્થરો ફેંકયા હતા, જેથી આ બાળકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. બાળકોને સબક મળે તેને લઈ ગુનો નોંધવામાં આવ્યો છે. બાળકો સામે એટલે ગુનો નોંધવામાં આવ્યો કે તેમના માતા-પિતાને સંદેશો મળે અને અન્ય બાળકો પણ આવું શિખે નહી. અલગ-અલગ કલમો લગાવીને પોલીસે ગુનો નોંધ્યો છે.
જે મુખ્ય આરોપીઓ છે તેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે મોટા ભાગના આરોપીઓને સીસીટીવીની મદદથી શોધી કાઢવામાં આવ્યા છે. કોમ્બિંગ નાઈટ દરમિયાન 28 આરોપીઓને ડિટેઈન કરવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનાને લઈ ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે. ત્રણ પૈકી એક જુવેનાઈલ એક્ટ મુજબનો ગુનો છે. પોલીસ પર એસોલ્ટની કલમનો પણ ઉમેરો કરાયો છે. આ સિવાય ગાડી સળગાવાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. સાથે સાથે ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઇ છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું.
સૂર્યોદય પહેલાં પથ્થરબાજોને પકડી લીધા છેઃ ગૃહમંત્રી હર્ષ સંઘવી
આ ઘટના મામલે પ્રતિક્રિયા આપતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે કે, આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 27 અન્ય લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે, જેઓ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં સામેલ હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ X પર લખ્યું કે, ‘જેમ મેં વચન આપ્યું હતું તેમ, અમે સૂર્યોદય પહેલાં પથ્થરબાજોને પકડી લીધા છે! 27 પથ્થરબાજોની ધરપકડ. CCTV, વીડિયો વિઝ્યુઅલ, ડ્રોન વિઝ્યુઅલ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સનું કામ હજુ ચાલુ છે. તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી ટીમો આખી રાત કામ કરી રહી હતી અને હજુ પણ પથ્થરબાજોની ઓળખ કરવા અને તેમને સજા અપાવવા માટે કામ કરી રહી છે. જય ગણેશ!!’
