આ દુર્ઘટના છે કે સાજિશ તેની પણ તપાસ કરાશે, જે દોષી સાબિત થશે તેને કડક સજા કરવામાં આવશે.
હાથરસ દુર્ઘટના મામલે 22 લોકો સામે FIR, તેમાં બાબાનું નામ જ નહીં, દૂર્ઘટના બાદ બાબા ભૂગર્ભમાં ઉતરી ગયા
બાબાનાં સેવકો અને બ્લેક કમાન્ડોએ લોકો સાથે ધક્કા-મુક્કી કરતા નાસભાગ મચી હતીઃ રિપોર્ટમાં દાવો
ઉત્તર પ્રદેશના હાથરસના ફુલરાઈ ગામમાં મંગળવારે સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 ભક્તોનાં મોતથી સૌ કોઈ આઘાત પામી ગયા છે. સીએમ યોગી બુધવારે સવારે 11.30 વાગ્યે હાથરસ પહોંચ્યા હતા. ત્યાં તેઓ જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા. ઘટનાસ્થળ પર ગયા હતા અને તેમણે અધિકારીઓ પાસેથી દુર્ઘટના મામલે સમગ્ર માહિતી મેળવી હતી.
સીએમ યોગીએ હાથરસ દુર્ઘટનાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેઓએ કહ્યું કે આ એક દુઃખદ અને દર્દનાક દુર્ઘટના છે. સીએમએ કહ્યું કે હોસ્પિટલમાં દાખલ મોટાભાગના લોકો ખતરાની બહાર છે. મેં ત્યાં પીડિતો સાથે વાત કરી.

સીએમ યોગીએ કહ્યું કે શરૂઆતમાં ઘટનાને દબાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ આ ઘટનાના મૂળ સુધી જવાની કોશિશ કરવામાં આવી છે. હાઈકોર્ટના રિટાયર્ડ જજના નેતૃત્વમાં કેસની તપાસ કરવામાં આવશે. આ દુર્ઘટના છે કે સાજિશ તેની પણ તપાસ કરાશે. ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવશે. એટલું નહીં જે દોષી સાબિત થશે તેને કડક સજા કરવામાં આવશે.
તેઓએ કહ્યું કે સાજિશ કરનારા ભાગી જાય છે. ઘટનાની પાછળ કોણ છે તે જોવાનું રહેશે. જો દુર્ઘટના હતી તો સેવકો રોકાયા કેમ નહીં. અમે ADG આગ્રાના નેતૃત્વમાં SITની રચના કરી છે. SIT કેસની તપાસ કરશે. ઘણા બધા એંગલ છે જેની તપાસ કરવાની જરૂર છે. રાજ્ય સરકારે ન્યાયિક તપાસ કરવાનો નિર્ણય લીધો છે જેનું નેતૃત્વ હાઇકોર્ટના નિવૃત્ત જજ કરશે. વહીવટીતંત્ર અને પોલીસના નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ પણ તેમાં ભાગ લેશે.

સીએમ યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે સરકાર મૃતકોના બાળકોના અભ્યાસની વ્યવસ્થા કરશે. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર મૃત્યુ પામેલા લોકોને 4 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 1 લાખ રૂપિયાની સહાય આપશે.
વહીવટીતંત્રનો પ્રથમ રિપોર્ટ સામે આવ્યો છે. એ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સત્સંગની સમાપ્તિ પછી ભક્તો ભોલે બાબા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમના સેવકો અને અંગત ગાર્ડ્સ (બ્લેક કમાન્ડો) જાતે જ ધક્કા-મુક્કી કરવા લાગ્યા હતા જેના લીધે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. દુર્ઘટના બાદ બાબા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસે તેમની શોધમાં આખી રાત દરોડા પાડ્યા હતા મૈનપુરીમાં બાબાના આશ્રમ પહોંચી, પરંતુ તે મળ્યો નહીં. મૈનપુરીમાં આશ્રમની બહાર પોલીસ તહેનાત છે.
પ્રયાગરાજના વકીલ ગૌરવ દ્વિવેદીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં PIL કરીને અકસ્માતની CBI તપાસની માગ કરી છે. મંગળવારે મોડી રાત્રે સિકંદરાઉ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે 22 લોકો સામે FIR નોંધાવી છે. આમાં મુખ્ય આયોજકનું નામ દેવ પ્રકાશ મધુકર છે. જ્યારે બાકીના અજાણ્યા છે. પરંતું ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય આરોપી ભોલે બાબા ઉર્ફે હરિ નારાયણ સાકરનું નામ નથી. આ પોલીસ FIR પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સત્સંગ માટે પરવાનગી લેવામાં આવી હતી. પરંતુ માત્ર 80,000 ભક્તોની ભાગીદારી માટે પરવાનગી માંગવામાં આવી હતી, જેની સામે બે લાખથી વધુ ભક્તો સત્સંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
એસડીએમના જણાવ્યા અનુસાર સત્સંગમાં બે લાખથી વધુ ભક્તો હાજર હતા. ભોલે બાબા લગભગ 12.30 વાગ્યે પંડાલમાં પહોંચ્યા અને તેમનો કાર્યક્રમ 1 કલાક સુધી ચાલ્યો. દરમિયાન ભોલે બાબા બપોરે 1.40 વાગ્યે પંડાલમાંથી બહાર આવ્યા ત્યારે ભક્તો તેમના ચરણોની ધૂળને સ્પર્શ કરવા આગળ આવ્યા હતા. લોકો ડિવાઈડર કૂદીને બાબાના વાહન તરફ દોડવા લાગ્યા હતા. પરંતુ બાબાના અંગત રક્ષકો અને સેવકોએ ધક્કે ચઢાવવાની શરૂઆત કરી. ત્યારપછી ઘણાં લોકો નીચે પડી ગયા અને ભીડ નીચે કચડાવા લાગ્યા.
ઘટનાસ્થળે સ્થિતિ એવી હતી કે મૃતદેહોને ઢાંકવા માટે ચાદર પણ ન હતી. ઘાયલો જમીન પર પીડાથી તડપી રહ્યા હતા. તેમની સારવાર માટે કોઈ ડૉક્ટરો નહોતા. મોટાભાગના મૃતકો હાથરસ, બદાઉન અને પશ્ચિમ યુપી જિલ્લાના છે. અહીં ફરજ પરના કોન્સ્ટેબલ રજનીશ (30)ને ઇટામાં મૃતદેહોના ઢગલા જોયા બાદ હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમના મિત્રો તેમને ડૉક્ટર પાસે લઈ ગયા, પરંતુ તેમનું મોત થઈ ગયું. જોકે, એટાહના એસએસપીએ કોન્સ્ટેબલના મૃત્યુનું કારણ બીમારી ગણાવી છે.