જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર T20 વર્લ્ડ કપની ટ્રોફી પકડેલી પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેણે લખ્યું, ‘હું હૃદયપૂર્વક આભાર સાથે T20 આંતરરાષ્ટ્રીય મેચોને અલવિદા કહું છું.’
વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ હવે રવિન્દ્ર જાડેજાએ પણ T20 આંતરરાષ્ટ્રીય મેચોને અલવિદા કહી દીધું છે. જાડેજાએ રવિવારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરતી ભાવનાત્મક નોંધ સાથે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી સાથે પોતાની એક હસતી તસવીર શેર કરી હતી. વિરાટ, રોહિત અને હવે જાડેજાના નિવૃત્તિના સમાચારે ક્રિકેટ ચાહકોના દિલ તોડી નાખ્યા છે. T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવાની ખુશી વચ્ચે ભારતીય ક્રિકેટના પ્રખ્યાત ખેલાડીઓને સંન્યાસ લેતા જોઈને લોકો ભાવુક થઈ ગયા છે.
જાડેજાએ રવિવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી પકડેલી પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેણે લખ્યું, ‘હું હૃદયપૂર્વક આભાર સાથે T20 આંતરરાષ્ટ્રીય મેચોને અલવિદા કહું છું. ગર્વથી દોડી રહેલા અડગ ઘોડાની જેમ, મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમાં પણ આવું કરવાનું ચાલુ રાખીશ.’ જાડેજાએ આગળ લખ્યું કે T20 વર્લ્ડ કપ જીતવું એ એક સપનું સાકાર થવાનું હતું, જે મારી T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ટોચ છે. યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન બદલ આભાર. જય હિન્દ.
ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પોતાની પ્રથમ T20 વર્લ્ડ કપની ફાઈનલ રમી રહેલી આફ્રિકન ટીમ માત્ર 169 રન બનાવી શકી અને ટાઈટલથી દૂર થઈ ગઈ.