વેફરનાં પડીકામાંથી મરેલો દેડકો નીકળતો લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેમના આરોગ્ય સાથે ચેડાં કરનાર વિરૂદ્ધ યોગ્ય કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાં મરેલો દેડકો મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મળી છે તે મુજબ જામનગરમાં પુષ્કરધામ સોસાયટી શેરી નંબર -5માં રહેતા જસ્મીન પટેલ નામના વ્યક્તિએ ગઈકાલે તેમની સોસાયટીની બહાર આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાંથી પોતાની ભત્રીજી માટે બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું. તેને ઘરે લઇ જઇને ખોલતા પડાકામાંથી મરેલો દેડકો નિકળ્યો હતો. આ અંગે ફરીયાદ કરતા મનપાના ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગરમાં રહેતા જસ્મીન પટેલે જણાવ્યું કે, પટેલ જનરલ સ્ટોર નામની દુકાને મારા ભાઈની દીકરી વેફર લેવા આવી હતી. મારી નાની દીકરી, મારી મોટી દીકરીએ વેફર ખાધી હતી. મારી ભત્રીજીએ દેડકાં જોતા ફેંકી દીધો હતો. મારી ભત્રીજીએ કહ્યું કે કાકા આમા દેડકો છે. મે એ દેડકો પાછો મુકીને સવારે અહીં દુકાને આવ્યો અને દુકાનદારને બતાવ્યું હતું અને સમગ્ર ઘટના વિશે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ દુકાનદારે એજન્સીવાળા સાથે વાત કરાવી હતી. ત્યારબાદ તેમણે કસ્ટમર કેરમાં વાતચીત કરી હતી, પરંતુ તેમણે યોગ્ય પ્રત્યુત્તર મળ્યો ન હતો.
જસ્મીનભાઇ પટેલ દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને ફૂડ શાખા દોડતી થઈ હતી. આ અંગે જામનગર ફૂડ સેફ્ટી ઓફિસર ડી.ડી. પરમારે જણાવ્યું હતું કે, ટેલિફોનિક સૂચના મળતાં અમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે આ દરમિયાન જોવા મળ્યું છે કે, બાલાજી વેફરના પેકેટમાં દેડકો ચગદાઇ ગયો હોય એવું લાગી રહ્યું છે. હાલમાં અમે આ એજન્સીમાંથી આજ બેચના પેકેટના નમુના લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે. એજન્સી પર ગયા પછી દંડની કાર્યવાહી અંગે નિર્ણય કરવામાં આવશે.
કમલેશભાઈ ગંતાણીએ જણાવ્યું છેકે, મારી પાસે બાલાજીની ડિસ્ટ્રીબ્યુટરની એજન્સી છે. 20 વર્ષથી હું વ્યવસાયમાં છું પરંતુ આજ સુધી આવું થયું નથી. પેકેટ ખુલેલું છે અને અમને જાણ કરવામાં આવી છે કે તેમાં દેડકાં જેવું કંઈ હોય તેવુ લાગે છે.
બાલાજી વેફરના માર્કેટિંગ મેનેજર જય સચદેએ જણાવ્યું કે, ઘટના જોતા એવું લાગે છે કે, આવું થવું શક્ય નથી. કારણ કે, અમારો વેફર બનાવવાનો પ્લાન્ટ સંપૂર્ણપણે રોબોટિક મશીનથી સજ્જ છે જેથી આ પ્રકારનો બનાવ બને તે શક્ય જ નથી. અમારા પ્લાન્ટમાં ફૂડ સેફ્ટીના નિયમો મુજબ મેકિંગ પ્રોસેસ થાય છે. અમારા પ્લાન્ટમાં બટેકાની ચીપ્સ લાલ થઈ ગઈ હોય તો પણ તે બહાર ઓટોમેટીક નીળકી જાય છે તો આ રીતે દેડકો ફ્રાય થઈને પેકેટમાં પેક થઈને બહાર માર્કેટ સુધી પહોંચે તે શક્ય નથી.
વધુમાં તેમણે કહ્યું કે, આટલા વર્ષથી અમારી વેફર્સ લોકો ખાય છે ક્યારેય આવી ઘટના સામે આવી નથી. અમારી સામે કાયદાકીય પગલાં લેવાશે તો અમે સહયોગ આપીશું. આમારા પ્લાન્ટમાં બટેકાની વેફર બનવાનું શરૂ થવાથી ફાઈનલ પેકેટ પેક થાય ત્યાં સુધી 15થી 20 અલગ-અલગ પ્રકારના ચેકિંગ પોઈન્ટ આવે છે. જેમાં ખરાબ ચીપ્સ નીકળી જાય છે. જો આવી રીતે દેડકો ફ્રાય થઈ ગયો હોય તો તે નીકળી જ જાય. એટલે આ પ્રકારે ભૂલ થવી શક્ય નથી. દેડકો પ્લાન્ટમાં આવે તે વાતમાં કોઇપણ તથ્ય લાગી રહ્યું નથી. જોકે વેફરના પેકેટમાં દેડકો કેવી રીતે આવ્યો તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.