સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ, ભાવનગર અને અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો

RainToday

રાજકોટ, ભાવનગર, અમરેલી, દ્વારકા અને જામનગરમાં બપોર બાદ જામ્યો વરસાદી માહોલ

ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં બપોર બાદ આકાશ કાળા ડિંબાગ વાદળોએ ઘેરાઈ ગયું હતુ અને સાંજે 4 વાગ્યા બાદ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 જૂનના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીના 10 કલાકમાં રાજ્યના 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં નોંધાયો છે. અહીંના જલાલપોર તાલુકામાં 13 મિમી અને નવસારી તાલુકામાં 12 મિમી વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે.

ભાવનગર જિલ્લાના જેસર અને ગારિયાધાર તાલુકામાં સાંજે 4 થી 6ના બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

આ ઉપરાંત સુરતના માંગરોળમાં 7 મિમી, વલસાડના કપરાડામાં 3 મિમી, આણંદના ખંભાત અને તાપીના સોનગઢમાં 2-2 મિમી વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી નવસારીના મંકોડિયા, સ્ટેશન રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો.

સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. આજે બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો.

અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વડિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધામર વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. અમરેલી જિલ્લાના લાઠી અને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં 18 મિમી, નવસારી જિલ્લાના જલાલપોરમાં 17 મિમી, વલસાડના કપરાડામાં 12 મિમી અને અમરેલીના લીલીયામાં 10 મિમી વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 25 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં 30 મિમી વરસાદ નોંધાયો છે. પાલિતાણા બાદ ડાંગના વઘઈમાં 12 મિમી, ભાવનગરના તળાજામાં 11 મિમી, જ્યારે ગાંધીનગરના માણસામાં 9 મિમી વરસાદ નોંધાયો છે.