મણિપુરમાં ફરી હિંસા, મુખ્યમંત્રી એન બિરેન સિંહના કાફલા પર ઉગ્રવાદીઓનો હુમલો

manipur

બિરેન સિંહની એડવાન્સ સુરક્ષા ટીમ પર કુકી ઉગ્રવાદીઓએ હુમલો કર્યો

હિંસાગ્રસ્ત મણિપુરમાંથી આજે ફરી એકવાર હિંસાના સમાચાર આવ્યા છે. મણિપુરના કાંગકોપી જિલ્લામાં આજે મુખ્યમંત્રી એન. બિરેન સિંહના કાફલા પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે. જો કે, હુમલો થયો ત્યારે મુખ્યમંત્રી કાફલામાં સામેલ નહોતા. ઝેડ કેટેગરી સુરક્ષાના સુરક્ષા કર્મીઓ પર કરવામાં હુમલામાં બે જવાન ઘાયલ થયા છે.

સોમવારે સવારે મુખ્યમંત્રીનો કાફલો હિંસા પ્રભાવિત જિરીબામ તરફ જઈ રહ્યો હતો. તેમને જણાવ્યું કે, સુરક્ષા બળોના વાહનો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી, જે બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. ઘટના બાદ મણિપુર પોલીસ કમાન્ડો અને આસામ રાઈફલ્સે સંયુક્ત ટીમ બનાવી હતી અને ગુનેગારોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હજુ પણ નેશનલ હાઈવે-53ના એક ભાગ પર કોટલેન ગામ પાસે ગોળીબાર ચાલુ છે.

એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, ‘સીએમ બિરેન સિંહ હાલ દિલ્હીથી ઈમ્ફાલ પહોંચ્યા નથી, તેઓ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા મંગળવારે જીરીબામ જવાની યોજના બનાવી રહ્યા હતા.’

આ હુમલામાં CID રાજ્ય પોલીસ, CISF જવાન અને બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. એક ઘાયલ વ્યક્તિને ઈમ્ફાલ મોકલવામાં આવ્યો છે. વાસ્તવમાં જીરીબામમાં છેલ્લા 2 દિવસથી હિંસાના સમાચાર છે અને અહીં સ્થિતિ તંગ છે.

આ ઉગ્રવાદી હુમલામાં ઈજાગ્રસ્ત સુરક્ષાબળના જવાનને ઈમ્ફાલની એક હોસ્પટિલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, મણિપુર પોલીસની સુરક્ષા ટીમ સીએમ એન બીરેન સિંહના પ્રવાસ પહેલા જિરીબામ ગઈ હતી. હાલ આ મામલે વધુ માહિતી મળી રહી છે.

મંગળવારે સીએમ એન.બિરેન સિંહ હિંસાગ્રસ્ત જીરીબામની મુલાકાત લેવાના હતા. આ સંદર્ભે મુખ્યમંત્રીની આગોતરી સુરક્ષા ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા જીરીબામ જઈ રહી હતી. આ દરમિયાન મણિપુર કમાન્ડોએ સિનમ પાસે ઓચિંતો હુમલો કર્યો. વિશ્વસનીય સૂત્રોએ સંકેત આપ્યો છે કે મુખ્યમંત્રી એન. બિરેન સિંહ આવતીકાલે જીરીબામની મુલાકાતે જવાના છે. એટલા માટે તૈયારીનું આકલન કરવા માટે આજે કાફલાને રવાના કરાયો હતો.

પોલીસે જણાવ્યું કે મણીપુરના જીરીબામ જિલ્લામાં સ્થિતિ તંગ છે, પરંતુ નિયંત્રણમાં છે. શનિવાર (8 જૂન, 2024) ના રોજ બનેલી ઘટના પછી, અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરા ગામમાં 70 થી વધુ ઘરોને આગ લગાડવામાં આવી હતી.